શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે તેજી, સેન્સેક્સ વધુ 624 પોઈન્ટ ઉછળ્યો
શેરબજાર સળંગ ત્રીજા દિવસે આકર્ષક ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. સેન્સેક્સ 624.2 પોઈન્ટ ઉછાળા સાથે 10.20 વાગ્યા સુધીમાં 75698.71ની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી 23004.85 સાથે મહત્વની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી છે.
RBIએ રેપો રેટ જાળવી રાખવાનો નિર્ણય લેતાં તેમજ 2024-25નો જીડીપી ગ્રોથ અંદાજ વધારી 7.2 ટકા રહેવાનો આશાવાદ વ્યક્ત કરતાં શેરબજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ 10.30 વાગ્યે 553.63 પોઈન્ટ ઉછાળા સાથે 75628.98 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 173.65 પોઈન્ટના ઉછાળા સાથે 22995.05 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ માર્કેટ કેપ રૂ. 418.63 લાખ કરોડ થઈ હતી.
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3593 સ્ક્રિપ્સ સાથે 2609 સુધારા તરફી અને 842 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી છે. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 25માં 0.04 ટકાથી 4.63 ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. મારૂતિ, કોટક બેન્ક, હિન્દુસ્તાન યુનિલીવર, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈટીસીમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આજે આઈટી શેરોમાં તેજીના પગલે બીએસઈ આઈટી ઈન્ડેક્સ 3 ટકા ઉછળ્યો છે. વિપ્રો, એમફેસિસ અને કોફોર્જ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સના શેર 4 ટકા, જ્યારે ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને ટીસીએસના શેર 1-2 ટકા વધ્યા હતા. છેલ્લા સળંગ ત્રણ સેશનથી આઈટી શેરો તેજીમાં છે. 5 જૂને ઇન્ડેક્સ 2.39 ટકા અને 6 જૂને 2.83 ટકા ઉછાળે બંધ રહ્યો હતો. નિષ્ણાતો કહે છે કે નવી સરકારની રચનાની અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારો નાણાં સતત ફેરવી રહ્યા છે. જેનો લાભ આઈટી શેરોને થયો છે.