રાષ્ટ્રીય

કોંગ્રેસ વર્કિંગ કમિટીની આજે બેઠક યોજાશે, અનેક મુદ્દાઓ પર થશે મહામંથન; વિપક્ષના નેતા પર પણ લાગશે મહોર

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામો પર ચર્ચા કરવામાં આવશે અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય સભ્યો આજે સવારે 11 વાગ્યે હોટેલ અશોકમાં CWCની બેઠકમાં હાજરી આપશે.

બેઠકમાં કોંગ્રેસ વિધાયક દળના નેતા અને વિવિધ રાજ્યોના પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્ટીના પ્રદર્શનનું વિશ્લેષણ કરશે અને સંગઠનને મજબૂત કરવા માટેના પગલાં સૂચવશે. પાર્ટી કોંગ્રેસ અધ્યક્ષ ખડગે હોટલ અશોકમાં તમામ CWC સભ્યો અને પાર્ટીના સાંસદ માટે ડિનરનું આયોજન કરશે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, કોંગ્રેસ લોકસભામાં બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, 2019ની ચૂંટણીમાં તેની સીટોની સંખ્યા 52 થી વધીને 99 થઈ ગઈ છે. પાર્ટીની અંદર એક જૂથનું માનવું છે કે રાહુલ ગાંધીએ પાર્ટીના નેતા અને લોકસભામાં વિપક્ષનું પદ સંભાળવું જોઈએ, તેના પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

આ બેઠકમાં સોનિયા ગાંધી ફરીથી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ શકે છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસ લોકસભામાં તેના નેતાનું નામ નક્કી કરશે અને રાહુલ ગાંધીને આ મહત્વપૂર્ણ પદ પર રાખવાની માંગ ઉઠવા લાગી છે. રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી બંને  બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે કેસી વેણુગોપાલ, મણિકમ ટાગોર અને ગૌરવ ગોગોઈ સહિતના પક્ષના સાંસદ હાથ ઉંચા કરીને માંગ ઉઠાવે તેવી અપેક્ષા છે. લોકસભામાં કોંગ્રેસના નેતા ગૃહમાં વિરોધ પક્ષના નેતા પણ હશે, કારણ કે પાર્ટીએ સામાન્ય ચૂંટણીઓમાં જરૂરી સંખ્યામાં  બેઠક જીતી છે.

કોંગ્રેસના બંધારણ મુજબ સંસદીય પક્ષના અધ્યક્ષને સંસદના બંને ગૃહોમાં પક્ષના નેતાઓના નામ આપવાનો અધિકાર છે. પાર્ટીના સૂત્રોએ કહ્યું કે તે સોનિયા ગાંધી પર નિર્ભર રહેશે કે તેઓ રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે પસંદ કરે છે કે અન્ય કોઈ નેતા. સોનિયા ગાંધી હવે રાજ્યસભાના સભ્ય છે. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે સંસદના ઉપલા ગૃહમાં વિરોધ પક્ષના નેતા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x