ઉમરગામના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ રૂ. 89 હજારની લાંચ લેતા પકડાયા
ઉમરગામના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને નવસારી એસીબીએ ગોઠવેલા છટકામાં રૂ. 89 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી ધરપકડ કરી હતી. બન્ને આરોપીએ દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીની અટક બાદ માર નહી મારવા અને હેરાન નહી કરવા રૂ.1 લાખ માંગ્યા હતા.
એસીબી સૂત્રો પાસેથી મળતિ વિગત મુજબ ઉમરગામ પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. બાદમાં પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પરેશકુમાર રામુભાઇ રામ અને પો.કો.મુરૂ રાયદેભાઇ ગઢવીએ વોન્ટેડ આરોપીને પકડવા કવાયત આદરી હતી. આરોપીએ તેઓ સાથે વાતચીત કરતા અટક કર્યા બાદ માર નહી મારવા અને હેરાન પરેશાન નહી કરવા રૂ. 1 લાખની માંગણી કરી હતી. લાંચની માંગણી કરાયા બાદ વોન્ટેડ આરોપીએ નવસારી લાંચ રિશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરી હતી.
એસીબીમાં ફરિયાદ કરાયા બાદ પી.આઇ. બી.ડી.રાઠવા અને ટીમે ગોઠવેલા છટકામાં ઉમરગામના વલ્લભ હાઇટસ બિલ્ડિંગમાં માવલા ચાની દુકાનની બહાર ફરિયાદી ગયા બાદ પરેશ રામ અને મુરૂ ગઢવી આવ્યા બાદ વાતચીત કરતા પરેશે મુરૂને રકમ આપવા કહેતા રૂ. 89 હજાર આપ્યા હતા. તુરંત જ એસીબીની ટીમે બન્નેને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા. એસીબીએ બન્ને લાંચીયા કર્મચારીની ધરપકડ કરી લાંચની ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.