JEE એડવાન્સ પરીક્ષામાં દેશના ટોપ 100માં રાજકોટના 4 સહિત ગુજરાતના 6 વિદ્યાર્થીઓ
દેશની વિવિધ આઈઆઈટીમાં પ્રવેશ માટે ગત 26મી મેના રોજ લેવાયેલી JEE એડવાન્સ પરીક્ષાનું પરિણામ કાલે જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં દેશના ટોપ 100 ઓલ ઈન્ડિયા રેન્કમાં ગુજરાતના છ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.
રાજકોટની વિદ્યાર્થિની દ્વિજા પટેલ સાતમા રેન્ક સાથે દેશના ટોપ 10માં આવી છે અને ગર્લ્સ ટોપર બની છે. જ્યારે અમદાવાદના બે વિદ્યાર્થી દેશના ટોપ 100 રેન્કમાં આવ્યા છે. દેશના ટોપ 1000 રેન્કમાં આ વર્ષે ગુજરાતના 40થી વધુ અને અમદાવાદના 20થી વધુ વિદ્યાર્થી હોવાનો અંદાજ છે.
દેશમાં 23 ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી આવેલી છે.જેમાં 17 હજારથી વધુ બેઠકો છે. જેમાં પ્રવેશ માટે JEE એડવાન્સ પરીક્ષા ગત 26મી મેના રોજ આઈઆઈટી મદ્રાસ દ્વારા લેવાઈ હતી. આ વર્ષે JEE મેઈન્સમાંથી 2.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થયા હતા અને જેમાંથી 1.90 લાખથી વધુ વિદ્યાર્થીએ JEE એડવાન્સ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં ગુજરાતમાંથી આ વર્ષે વિદ્યાર્થીઓ વધતા 11 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
JEE એડવાન્સ પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓનું પર્ફોર્મન્સ આ વર્ષે ઘણું સારું રહ્યુ છે અને ગુજરાતના છ વિદ્યાર્થીએ દેશના ટોપ 100 રેન્કમાં બાજી મારી છે. જેમાં ચાર વિદ્યાર્થીઓ રાજકોટના છે અને બે વિદ્યાર્થીઓ અમદાવાદના છે. રાજકોટના ચાર વિદ્યાર્થીઓમાં વિજા પટેલ 360 માંથી 332 સ્કોર સાથે સાતમા રેન્ક સાથે દેશના ટોપ 10માં આવી છે અને દેશની ગર્લ્સ ટોપર પણ બની છે.