રાષ્ટ્રીય

રિયાસી બસ હુમલાના આતંકીઓ હવે બચશે નહીં, આર્મી અને CRPFની 11 ટીમોએ જંગલની ઘેરાબંધી કરી; કમાન્ડો અને ડ્રોન પણ ઉતારવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકવાદી હુમલા બાદ સેના અને CRPFના જવાનોએ વિસ્તારની ઘેરાબંધી વધારી દીધી છે. આતંકવાદીઓની શોધમાં જંગલને કોર્ડન કરવામાં આવી રહ્યું છે. ઘટના બાદ આતંકીઓ જંગલ તરફ ભાગ્યા હતા. આ હુમલામાં 9 લોકોના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ શિવખોડી મંદિરથી વૈષ્ણો દેવી મંદિરના બેઝ કેમ્પ તરફ પરત ફરી રહી હતી. તીર્થયાત્રીઓની બસ પર આતંકવાદી હુમલાને અંજામ આપનાર આતંકવાદીઓની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. સેના અને સીઆરપીએફની 11 ટીમ ઉપરી પહાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓને ખતમ કરવા માટે મિશન મોડમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હુમલા બાદ આતંકીઓ જંગલ તરફ ભાગ્યા હતા. કમાન્ડો અને ડ્રોન પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે.

ઘટના સ્થળે પોલીસ, ભારતીય સેના અને CRPFનું સંયુક્ત ઓપરેશન હેડ ક્વાર્ટર બનાવવામાં આવ્યું હતું. પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી છે. TRF ને વર્ષ 2023 માં ભારત સરકાર દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. કલમ 370 હટાવ્યા બાદ વર્ષ 2019માં તેની રચના કરવામાં આવી હતી. તે અનેક આતંકી હુમલામાં સામેલ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં 2થી 3 આતંકીઓ સામેલ હતા. આ આતંકવાદીઓ પાકિસ્તાની છે, અને તે જ જૂથનો ભાગ છે જે રાજૌરી અને પૂંચમાં તાજેતરના હુમલામાં સામેલ હતો. આ ગ્રુપ છેલ્લા બે વર્ષથી પીર-પંજાલ વિસ્તારમાં સક્રિય છે. આ આતંકીઓને શોધવા માટે સતત સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકીઓને શોધવા માટે ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે. આ હુમલાની તપાસ NIAને સોંપવામાં આવી છે.

સુરક્ષા દળોને શંકા છે કે આતંકવાદીઓ રાજૌરી અને રિયાસીના પહાડી વિસ્તારમાં છુપાયેલા છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, ‘હુમલા માટે જવાબદાર ત્રણ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓની વ્યાપક શોધ કરવામાં આવી રહી છે. તેને ઘટનાસ્થળે ચોથા આતંકવાદીની હાજરીની શક્યતાને નકારી કાઢી નથી.’

ઉધમપુર-રિયાસી રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ રઈસ મોહમ્મદ ભટ્ટે જણાવ્યું કે, ‘અમને કેટલીક કડીઓ મળી છે. પોલીસ, સેના અને સીઆરપીએફની 11 ટીમ સર્ચ ઓપરેશનમાં લાગેલી છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે અલગ-અલગ મોરચે સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ, આર્મી, NIA અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ કોમ્બિંગ ઓપરેશનમાં સામેલ છે. અનેક લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.’

ઓપરેશનનું નેતૃત્વ કરી રહેલા DIGએ કહ્યું કે, ‘અમારી કાર્યવાહી ચાલુ છે. અમે વિવિધ ઇનપુટના આધારે કામ કરી રહ્યા છીએ. બે અલગ-અલગ મોરચે કામ કરવા માટે અનેક ટીમ બનાવવામાં આવી છે. જ્યારે તપાસ પણ તેજ ગતિએ ચાલી રહી છે. અમને કેટલાક સંકેતો મળ્યા છે અને અમે આતંકવાદીઓને શોધી કાઢવા માટે કડીઓ એકત્રિત કરી રહ્યા છીએ.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘આ વિસ્તારમાં ગાઢ જંગલ હોવાથી. પાણીના સ્ત્રોતની અછત છે. જંગલમાં આગ લાગવાનો પણ ભય છે. સર્ચિંગ ઓપરેશનમાં સુરક્ષા દળો માટે આ એક મોટો પડકાર છે. સર્ચ ટીમ સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે.

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ હુમલાની નિંદા કરી અને તેને વિસ્તારમાં શાંતિ ભંગ કરવાની દૂષિત યોજનાનો ભાગ ગણાવ્યો. તે જમ્મુ અને રિયાસી હોસ્પિટલોમાં ઘાયલોને મળ્યા અને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહને સ્થિતિ વિશે જાણકારી આપવામાં આવી છે. હુમલા માટે જવાબદારોને બક્ષવામાં આવશે નહીં. હું લોકોને આશ્વાસન આપું છું કે રિયાસીમાં શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલા પાછળ અને તેમની મદદ કરનારાઓને સજા કરવામાં આવશે.

પ્રશાસને મૃતકના પરિવારજનો માટે રૂપિયા 10 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાયની મંજૂરી આપી છે. કટરા, ડોડા શહેર અને કઠુઆ જિલ્લા સહિત જમ્મુ ક્ષેત્રમાં પાકિસ્તાન વિરોધી વિરોધ પ્રદર્શનો થયા, આવી ઘટનાઓને રોકવા માટે સુરક્ષા પગલાં વધારવાની માંગણી કરી. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન પર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પ્રાયોજિત કરવાનો આરોપ લગાવ્યો અને પાડોશી દેશ સામે કાર્યવાહીની માંગ કરી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x