‘વાયુ’ વાવાઝોડામાં વાહ વાહી લેનારા મુખ્યમંત્રી રૂપાણી વડોદરાના પૂરના ચાર કલાક બાદ સફાળા જાગ્યા અને કન્ટ્રોલરૂમ પહોંચ્યા હતા.
અમદાવાદ :
ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાંના સંકટ સમયે મુખ્યમંત્રી રૂપાણીએ એલર્ટ રહીને કામ કર્યું હોવાની લાખો રૂપિયાની સરકારી જાહેરાતો કરી હતી. પરંતુ છેલ્લા 24 કલાકમાં સંસ્કાર નગરી વડોદરા પૂરના પાણીમાં ગરકાવ છે, ત્યારે 31 જૂલાઈએ 6 વાગ્યે પૂર આવ્યાના ચાર કલાક બાદ એટલે કે રાત્રે 10 વાગ્યે સફાળા જાગેલા મુખ્યમંત્રી કન્ટ્રોલ રૂમમાં પહોંચી ગયા હતા. આમ મુખ્યમંત્રી પરિસ્થિતિનોતાગ મેળવવામાં મોડા પડ્યા હતા.
‘વાયુ’ ફંટાયુ છતાં મુખ્યમંત્રીએ વાહ વાહી લેવાનું છોડ્યું નહીં
જૂન મહિનામાં ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાની આગાહીના પગલે રૂપાણી સરકાર એલર્ટ થઈ ગઈ હોવાનો પ્રચાર કર્યો હતો. પરંતુ પ્રજાના સદનસીબે ‘વાયુ’ વાવાઝોડું ફંટાઈ ગયું હતું, તેમ છતાં ‘વાયુ’ વાવાઝોડું રૂપાણી સરકારની સાવચેતીના કારણે ફંટાયુ હોય એવી લાખો રૂપિયાની સરકારી જાહેરાતો કરવામાં આવી હતી.
પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી ત્યારે મુખ્યમંત્રી જાગ્યા
જ્યારે ગઈકાલે બપોરના 2 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં વડોદરા શહેરમાં આભ ફાટ્યું હતું અને સમગ્ર શહેર પૂરમાં ફસાયું હતું. જો કે આ સમયે પરિસ્થિતિની ગંભીરતા સમજ્યા વિના ના તો ભાજપના આગેવાન, ના કોઈ સરકારી તંત્ર કે ના મુખ્યમંત્રી પોતે સક્રિય થયા હતા. પરંતુ 8 વાગ્યા બાદ પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી ત્યારે દર વખતની માફક છેલ્લી ઘડીએ સફાળા જાગેલા મુખ્યમંત્રી મીડિયાને સાથે લઈને કન્ટ્રોલરૂમમાં પહોંચી ગયા હતા. જ્યાં કલેક્ટર, કમિશનર અને અન્ય અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી પોતે સક્રિય હોવાની મીડિયામાં જાણ કરીને રવાના થઈ ગયા હતા.