સુરતમાં પાલિકાના સ્વિમિંગ પુલમાં દારૂની પાર્ટીનો પર્દાફાશ, કોર્પોરેટરને જોતાં જ કર્મચારીઓ ભાગ્યા
સુરત મહાનગરપાલિકા સંચાલિત કતારગામ ઝોનના સિંગણપોર સ્વીમિંગ પુલમાં દારૂની મહેફિલ થતી હોવાના ગંભીર આક્ષેપ થયાં છે. સિંગણપોર સ્વીમિંગ પુલમાં દારૂની મહેફિલનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. જોકે વીડિયો સામે આવતા જ વિવાદ થયો હતો. માહિતી અનુસાર સ્થાનિક કોર્પોરેટરને જ્યારે આ દારૂ પાર્ટીની જાણ થઈ તો તેઓ કેટલાક લોકો સાથે મળીને ત્યાં પહોંચી ગયા હતા. જોકે વીડિયો બનતો જોતા જ દારૂ પાર્ટીમાં સામેલ કર્મચારીઓએ દોટ મૂકી હતી. વીડિયો ઉતારનાર વ્યક્તિનો એવો દાવો છે કે વીડિયોમાં દેખાતી દારૂની બોટલો પણ ગાયબ કરી દેવામાં આવી હતી. આ સમગ્ર કિસ્સામાં પાલિકા અને પોલીસ તટસ્થ તપાસ કરે તેવી માગણી થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ અને પાલિકા દ્વારા ગઈકાલે સવારે શહેરના શૈક્ષણિક સંસ્થા બહાર ખાણીપીણીના સ્ટોલ પર નશાકારક વસ્તુનું વેચાણ થાય છે કે કેમ? તેની તપાસ માટે ખાસ ડ્રાઈવ કરવામાં આવી હતી. પાલિકા અને પોલીસની આ ડ્રાઈવના માત્ર 12 કલાક બાદ સુરત પાલિકાના કતારગામ ઝોનમાં પાલિકા સંચાલિત સિંગણપોર સ્વીમિંગ પુલમાં દારૂની મહેફીલ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સાથેનો વીડિયો વાયરલ થયો છે.
મામલો કેવી રીતે સામે આવ્યો?
કેટલાક લોકોને સ્વીમિંગ પુલમાં દારૂની મહેફિલ થતી હોવાની વિગતો મળી હતી. તેઓએ સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને સ્વીમિંગ પુલ પહોચ્યા હતા અને વિડીયો શુટીંગ શરૂ કરી દીધું હતું આ શૂટિંગ દરમિયાન પાલિકાના કેટલાક કર્મચારીઓ ભાગતા જોવા મળે છે અને તેઓ જે રૂમમાં બેઠા હતા ત્યાં દારૂની બોટલ અને ચખણાની ડીશ જોવા મળે છે. આ પાર્ટીમાં 5થી વધુ લોકો સામે હતા.