દહેગામની ગલૂદણ પટેલ સમાજની વાડી ખાતે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનાં ગલૂદણ પટેલ સમાજની વાડી ખાતે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. સમગ્ર દેશ અને દુનિયામાં આજે 10માં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. દર વર્ષની જેમ આજે પણ ભારત સહિત વિશ્વના ઘણા દેશો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. આ યોગાભ્યાસ કાર્યક્રમ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, દહેગામ મામલતદાર આર આર કપૂર, એ પી એમ સી ચેરમેન સૂમેરુભાઈ અમીન, તાલુકા પંચાયત પ્રમુખ અશોક પટેલ, જયમિનભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને યોગાભ્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય બલરાજસિંહે વિધ્યાર્થીઓ અને લોકોને નિયમિત યોગ કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો જોડાયા હતા.
યોગ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે પીએમ મોદીથી લઈને ઘણા મંત્રીઓ સુધી બધા યોગ દિવસનો ભાગ બની રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત શેર-એ-કશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રમાં યોગાભ્યાસ કર્યો.