ભાજપના ઇમર્જન્સી કાર્ડ સામે કોંગ્રેસે બંધારણ બતાવ્યું
સંસદમાં સોમવારે ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થયું હતું, દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કટોકટીને યાદ કરીને તેને ભારતની લોકશાહી પર કાળો ડાઘ ગણાવ્યો હતો. કટોકટી લાગુ કર્યાને ૫૦ વર્ષ પૂર્ણ થાય તે પૂર્વે વડાપ્રધાને કોંગ્રેસને ઘેરી હતી. સત્ર શરૂ થાય તે પૂર્વે મીડિયાને આપેલા સંબોધતા મોદીએ કહ્યું હતું કે ૨૫મી જૂને કટોકટીને ૫૦ વર્ષ થશે, આ દિવસ લોકશાહી પર કાળો ડાઘ ગણાય છે. જોકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ મોદીને આકરો જવાબ આપ્યો હતો.
સંસદમાં વિપક્ષના નેતાઓની સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મોદી ભુલી ગયા કે છેલ્લા દસ વર્ષથી દેશમાં અઘોષિત કટોકટીની સ્થિતિ હતી જેનો જનતા અંત લાવી છે. ટ્વિટર પર પોસ્ટ કરતા ખડગેએ કહ્યું હતું કે મોદી કોંગ્રેસને કટોકટી લાગુ કર્યાના ૫૦ વર્ષ યાદ કરાવી રહ્યા છે. પણ તેઓ ભુલી જાય છે કે તેમના છેલ્લા ૧૦ વર્ષના કાર્યકાળ દરમિયાન દેશમાં અઘોષિત કટોકટી હતી. લોકસભાની ચૂંટણીમાં મોદી વિરોધી જનમત મળ્યો છે. જો તેઓ વડાપ્રધાન બન્યા હોય તો તેમણે કામ પર ધ્યાન આપવું જોઇએ.
દરમિયાન સંસદમાં પ્રથમ સત્રના પ્રથમ દિવસે ૧૮મી લોકસભાના સભ્ય તરીકે વડાપ્રધાન મોદી સહિત તમામ સાંસદોએ શપથ ગ્રહણ કર્યા હતા. જ્યારે મોદી શપથ ગ્રહણ કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ તેમના હાથમાં રહેલા બંધારણને મોદીને દેખાડયું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. દરમિયાન હાથમાં બંધારણ રાખીને વિપક્ષના નેતાઓએ લોંગ લિવ કન્સ્ટિટયૂશન, વી વિલ સેવ કન્સ્ટિટયૂશન અને સેવ અવર ડેમોક્રેસીના નારા લગાવ્યા હતા. આ અંગે મીડિયા સાથે વાત કરતા રાહુલે કહ્યું હતું કે અમે બંધારણ પર કોઇ પણ પ્રકારનો હુમલો નહીં થવા દઇએ. મોદી અને અમિત શાહ બંધારણ પર જે પ્રકારના હુમલા કરી રહ્યા છે તેને નહીં ચલાવી લઇએ.
૨૫ જૂન, ૧૯૭૫ના રોજ તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાગુ કરી હતી. જેને ધ્યાનમાં રાખીને ૨૫મી જૂને ભાજપ દ્વારા દેશમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે અને આ દિવસને બ્લેક ડે તરીકે મનાવશે. ભાજપના પ્રવક્તા અનિલ બલુનીએ કહ્યું હતું કે ૨૫મીએ દેશવ્યાપી કાર્યક્રમો યોજીને કટોકટી સમયની કોંગ્રેસની તાનાશાહીને ખુલ્લી પાડવામાં આવશે. ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા આ કાર્યક્રમને સંબોધશે. ભાજપે તેને ડાર્ક ડે ઓફ ડેમોક્રેસી નામ આપ્યું છે. ભાજપના નેતાએ કહ્યું હતું કે કટોકટી લાગુ કરીને કોંગ્રેસે ૨૧ મહિના સુધી દેશની લોકશાહી અને બંધારણને બાનમાં લીધા હતા. જેને કારણે આ દિવસને બ્લેક ડે તરીકે મનાવવામાં આવશે.
લોકસભાની ચૂંટણી બાદ દેશમાં વિધાનસભાની ૧૩ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. સત્તાધારી એનડીએ અને વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન વચ્ચે આ બેઠકો પર ટક્કર જોવા મળશે. સાત રાજ્યોમાં વિધાનસભાની ૧૩ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. આ બેઠકો વર્તમાન ધારાસભ્યોના રાજીનામા અથવા તો મૃત્યુને કારણે ખાલી પડી છે. જેમાં બિહારની રુપૌલી, બંગાળની રાયગંજ રાણાઘાટ દક્ષિણ બાગદા અને માનિકતલા, તામિલનાડુની વિક્રવંડી, મધ્ય પ્રદેશની અમરવાડા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મંગલૌર, પંજાબની જાલંધર પશ્ચિમ તેમજ હિમાચલ પ્રદેશની દેહરા, હમીરપુર અને નાલાગઢ બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર ૧૦મી જૂલાઇના રોજ પેટા ચૂંટણી યોજવામાં આવશે તેથી બન્ને પક્ષોના પ્રદેશના નેતાઓ સક્રિય થઇ ગયા છે.
સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી સહિતની ભાષાઓમાં સાંસદોના શપથ
લોકસભામાં સાંસદો દ્વારા વિવિધ ભાષાઓમાં શપથ લેવામાં આવ્યા હતા. જેમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, આસામી, ઓડિયા, બંગાળી વગેરે ભાષાનો પણ સમાવેશ થાય છે. મોદીએ હિન્દીમાં શપથ ગ્રહણ કર્યા હતા જે સમયે ભાજપના સાંસદોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. મોદી ઉપરાંત અમિત શાહ, ગડકરી, રાજનાથસિંહે પણ હિન્દીમાં શપથ ગ્રહણ કર્યા હતા. પેપર લીકના વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓડિયામાં શપથ ગ્રહણ કર્યા હતા જે સમયે વિપક્ષે નીટ-નીટના સુત્રો પોકાર્યા હતા. ગુજરાતના સાંસદોએ ગુજરાતીમાં શપથ લીધા હતા. સાંસદો અંગ્રેજી અથવા તો અન્ય ૨૨ ભાષાઓમાં શપથ લઇ શકે છે.