Uncategorizedગુજરાત

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થામાં થયો વધારો

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારા આપવાની જાહેરાત કરવામાં આવી છે. કર્મચારીઓને આ લાભ તારીખ 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.મોંઘવારી ભથ્થાની 6 માસની એટલે કે 1 જાન્યુઆરી 2024 થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.

તદઅનુસાર, જાન્યુઆરી-2024 તથા ફેબ્રુઆરી- 2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ-2024ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-2024ની તફાવતની રકમ ઓગષ્ટ-2024ના પગાર સાથે તેમજ મે અને જૂન-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.
રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને 1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x