રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા પર પ્રતિબંધ લગાવ્યો
રાજકોટના અગ્નિકાંડના મુદ્દે સરકારે રચેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ના રિપોર્ટની સાથે ગુજરાત હાઇકોર્ટના ફરમાન પછી રાજ્ય સરકારે બનાવેલી ફેક્ટ ફાઉન્ડિંગ કમિટીનો રિપોર્ટ આજે હાઇકોર્ટમાં રજૂ થવાનો છે, તે પહેલાં જ રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ તઘલખી આદેશ જાહેર કર્યો છે. જેમાં અગ્નિકાંડનું સત્ય છુપાવવા માટે રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે રાજ્ય સરકારે બનાવેલી ફેક્ટ ફાઉન્ડિંગ કમિટીનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ થવાનો છે ત્યારે ટીઆરપી ગેમઝોનમાં 27 નિર્દોષ નાગરિકોના મોત અંગે જવાબદાર સંચાલકો, અધિકારીઓ અને પદાધિકારીઓ સામે પગલાં લેવા કે કેમ તે હાઇકોર્ટના અવલોકનના આધારે સ્પષ્ટ થશે .
સીટનો રિપોર્ટ સિનિયર આઇપીએસ અધિકારી સુભાષ ત્રિવેદી અને તેમની ચાર સભ્યોની ટીમે રજૂ કર્યો છે, જ્યારે ફેક્ટ ફાઇન્ડીંગ કમિટીના ત્રણ આઇએએસ સભ્યોએ ઉચ્ચ અધિકારીઓની તપાસ કરી છે. આઇપીએસ અધિકારી પી. સ્વરૂપના અઘ્યક્ષસ્થાને નિમાયેલી ત્રણ સભ્યોની કમિટીએ રાજકોટના પૂર્વ કમિશનર અમિત અરોરા અને પૂર્વ કમિશનર આનંદ પટેલને બોલાવીને પૂછપરછ કરી હતી. આ રિપોર્ટ પણ સીટની જેમ હાઇકોર્ટમાં રજૂ થવાનો છે.
સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આ બન્ને રિપોર્ટમાં અગ્નિકાંડમાં બેદરકારીના મુદ્દે મોટા નામો બહાર આવે તેવી સંભાવના છે. રાજ્ય સરકારે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ અને પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને દુર્ઘટના પછી તરત જ હટાવી લીધા હતા અને તેમને અન્ય કોઇ જગ્યાએ પોસ્ટીંગ પણ આપ્યું નથી.