AAP ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સહિત આ નેતાઓ BJPમાં થયા સામેલ
દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ ભાજપમાં જોડાયા છે. લોકસભા ચૂંટણી પહેલા તેમણે દિલ્હી સરકારને અનુસૂચિત જાતિ વિરોધી ગણાવીને મંત્રી પદની સાથે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.તેઓ BSPમાં જોડાયા અને લોકસભા ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો. બુધવારે તેઓ ભાજપમાં જોડાયા હતા. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
છતરપુરના ધારાસભ્ય કરતાર સિંહ પણ ભાજપમાં જોડાયા છે
છતરપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કરતાર સિંહ તંવર પણ પાર્ટી છોડીને બીજેપીમાં જોડાયા છે. પટેલ નગરના ભૂતપૂર્વ ધારાસભ્ય વીણા આનંદ, છતરપુરના કાઉન્સિલર ઉમેશ સિંહ ફોગાટ, હિમાચલ પ્રદેશના AAPના પ્રભારી રતનેશ ગુપ્તા અને સહ-પ્રભારી સચિન રાય પણ ભાજપમાં જોડાયા.
આ એ જ રાજકુમાર આનંદ છે, જે દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી હતા. જ્યારે અરવિંદ કેજરીવાલ જેલમાં હતા ત્યારે તેમણે AAP પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને બીએસપીમાં જોડાયા હતા. આ પછી બસપાએ તેમને નવી દિલ્હી સીટથી લોકસભાની ટિકિટ આપી હતી. જો કે દિલ્હીમાં બસપા પાસે સમર્થન નથી.
રાજકુમાર આનંદે 12 એપ્રિલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. આ પછી 14 જૂને પટેલ નગર વિધાનસભા સીટથી ધારાસભ્ય રહેલા રાજકુમાર આનંદને દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલ દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
લોકસભા ચૂંટણીમાં મળી કારમી હાર
આ વખતે રાજકુમાર આનંદ પણ BSPની ટિકિટ પર નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમને માત્ર 5629 વોટ મળ્યા હતા. બીજેપીના બાંસુરી સ્વરાજે આ સીટ પર 78370 વોટથી જીત મેળવી હતી. તેમને 453185 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી બીજા ક્રમે હતા. તેમને 374815 મત મળ્યા હતા.