નારણપુરામાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
નારણપુરામાં એક વિદ્યાર્થીએ ગત મોડી રાત્રે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ચકચારી ઘટના બની છે. પ્રેમ પ્રકરણમાં લગ્ન કરાવવાની ના પાડી માતા-પિતાએ ઠપકો આપતા વિદ્યાર્થીને મનમાં લાગી આવ્યું હોવાથી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ મામલે નારણપુરા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી પત્રકાર કોલોનીમાં રહેતા ભાષ્ય શાહ નામના યુવકે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પ્રેમ પ્રકરણમાં ભાષ્ય શાહે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગત રાતે ભાષ્ય શાહનાં માતા-પિતાએ પ્રેમલગ્ન કરાવવાની ના પાડી હતી અને ઠપકો આપ્યો હતો.
જો કે, માતા-પિતાની વાતનું મનમાં લાગી આવતા ભાષ્ય શાહે ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ મામલે નારણપુરા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, વિદ્યાર્થી ભાષ્ય શાહનાં આપઘાતથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.