આરોગ્યગાંધીનગરગુજરાત

હવે હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહી યોજી શકે, ખ્યાતિ હૉસ્પિટલના કૌભાંડ બાદ સરકારનો મોટો નિર્ણય

ગાંધીનગર :

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સંલગ્ન હોસ્પિટલો હવેથી રાજ્યમાં મેડિકલ કેમ્પ યોજી શકશે નહીં. અને જો કોઇ હોસ્પિટલ આવી કોઇ પ્રવૃત્તિ કરતી જણાશે તો તેની સામે કડક પગલા લેવામાં આવશે.

રાજ્યના આરોગ્ય વિભાગ હેઠળની તબીબી સેવાઓની શાખાએ જાહેર કરેલા પત્ર અનુસાર આવાં કોઇ મેડિકલ કેમ્પને સરકાર દ્વારા પ્રોત્સાહન અપાતું નથી અને તેમને આવાં કેમ્પ યોજવાના રહેતાં નથી. આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલોને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, આ નિયમને તમામે ગંભીરપણે પાળવાનો રહેશે.

રાજ્યના આરોગ્ય વિભાગના ધ્યાને આવ્યું છે કે, આ યોજના સાથે સંકળાયેલી કેટલીક હોસ્પિટલો દર્દીઓને શોધવા અને તેમના પર ઓપરેશન કરી યોજના હેઠળ સરકાર પાસેથી પૈસા પડાવવાના આશયથી આવા મેડિકલ કેમ્પ યોજે છે અને ગરીબ દર્દીઓને શિકાર બનાવે છે. આ પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા માટે આ નિયમ લાગુ કરાયો છે.

બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલકાંડમા આરોપી ડોક્ટર પ્રશાંત વઝીરાણી પર સકંજો કસાયો છે. કોર્ટે પ્રશાંત વઝીરાણીના 21 નવેમ્બર સાંજે ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી ડોક્ટરની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. તો આ તરફ ખ્યાતિ કેસ બાબતે સરકાર તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વિજય બારોટની નિમણૂક કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા ડો. પ્રશાંતને હોસ્પિટલમાં વિઝિટિંગ ડોકટર તરીકે એક એન્જિયોગ્રાફી દિઠ 800 રૂપિયા અને એન્જિયોપ્લાસ્ટી દિઠ 1500 રૂપિયા મળતા હતા. તો આ તરફ ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલિટી હૉસ્પિટલમાં પીએમજેએવાય યોજના અંતર્ગત 2021થી કરેલ ઓપરેશનની વિગતો પણ હવે પોલીસ તપાસ કરશે. તપાસનીશ અધિકારીએ રિમાન્ડ અરજીમાં કહ્યું કે આરોપીએ ડિરેક્ટરો સાથે મળી ખોટી રીતે એન્જિઓગ્રાફી અને એન્જિઓપ્લાસ્ટી કરી મોટાપાયે નાણાંકીય લાભ મેળવ્યા છે. તેમણે બેન્ક એકાઉન્ટની વિગતો મેળવવાની છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x