સરકારે સબસિડી બંધ કરતા ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ઘટાડો
અમદાવાદ :
રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોમાં સબસિડી બંધ કરી દેવાતા વાહનોના વેચાણ પર સીધી અસર થઇ હોવાનું મનાય છે. છેલ્લા એક વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ૩૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૨૩માં ૧૯,૬૭૬ના વેચાણની સામે વર્ષ ૨૦૨૪માં ૧૩,૦૦૧ નું વેચાણ થયું હતું. જ્યારે વર્ષ ૨૦૨૩માં સુભાષબ્રિજ RTO માં ૧૬,૫૧૨ ઈલેક્ટ્રિક વાહનોના વેચાણ સામે વર્ષ ૨૦૨૪ માં ૯,૧૩૫ ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થતાં ૪૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. વેચાણના ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ સબસિડી બંધ થવાનું વાહન ડિલરો માની રહ્યા છે. નવરાત્રિથી દિવાળી સુધીમાં એક મહિનામાં પ૯૬ ટુવ્હીલર, ૧૨૪ કાર, ૭૭ થ્રી વ્હીલર અને ૧૩ ટ્રાન્સપોર્ટ મળી ૮૧૦ ઈ.વી. વાહનોનું વેચાણ થયું છે. ગત વર્ષની સરખામણીમાં પ૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. નિષ્ણાંતોએ કહ્યું કે, ચાર્જિંગની સમસ્યા અને કેટલીક ઈ.વી. વાહનમાં બેટરી બ્લાસ્ટની ઘટનાથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. કંપનીઓએ ડિલરો મારફત બેટરીની ક્વોલિટી અંગે પૂરતો પ્રચાર કરવો જોઈએ. જેનાથી વેચાણ વધી શકે. વાહન માલિકોએ કહ્યું કે, બેટરી ચાર્જિંગની સમસ્યા વધુ છે. લાંબા અંતરે ઇ.વી.વાહન લઇ જવાનું હોય ત્યારે ઘણી મુશ્કેલી પડે છે.