ગાંધીનગર

ગાંધીનગરમાં સુશાસન દિવસની ઉજવણી કરાઇ :”પ્રશાસન ગાંવ કી ઔર “ વર્ક શોપ યોજાયો

ભારતરત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે દર વર્ષે તા. ૨૫ ડિસેમ્બરના રોજ “સુશાસન દિવસ” ઉજવવામાં આવે છે. ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વિકાસ યાત્રાને વેગવંતી બનાવવા રાજ્યમાં સુશાસનિક માળખાનો મજબૂત પાયો નાખ્યો હતો. આજે એ જ કાર્યપ્રણાલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મક્કમતાથી આગળ ધપાવી રહ્યા છે.
ભારત સરકાર દ્વારા તમામ રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી, તારીખ 19 થી ૨૪ ડિસેમ્બર 2024 દરમિયાન કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે “પ્રશાસન ગાંવ કી ઓર ” વિષયક એક વર્કશોપ, પેટ્રોલોજી લેબોરેટરી, ઓડિટોરિયમ હોલમાં યોજાયો હતો.
આ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે નિવૃત્ત IAS ઓફિસર શ્રી ડોક્ટર દિનેશ બ્રહ્મભટ્ટે પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ,”તમે કંઈ પણ કામ કરો ત્યારે ગામના છેલ્લા માણસને કાંઈ ફાયદો થશે? એ વિચારીને જવાબદારીની કક્ષાની માનસિકતા કેળવી આયોજનો કરજો. લોકોને અને સમાજને ફાયદો થાય એ રીતે જ, તમારું બજેટ અને ફાઇનાન્સ મેનેજમેન્ટ તમારા વિભાગનું કરજો.
તેમણે ઉમેર્યું હતું કે, ટેકનોલોજીનો વપરાશ વધશે એટલો લોકોને ફાયદો થશે. માનવીય અભિગમ સાથે ટેકનોલોજીનો કેટલો ઉપયોગ કરી શકીએ ,એ પ્રશાસનમાં જરૂરી છે. નિવૃત્તિ પછી પણ આપણે સામાજિક દાયિત્વ નિભાવીએ એ જરૂરી છે. ખુરશી પર બેસો ત્યારે સમાનતા અને ન્યાયથી કામ કરો એવી અપેક્ષા લોકો રાખતા હોય છે. ગ્રીન હાઈડ્રોજન ભારત નું ભવિષ્ય છે રિજનલ પાવરમાંથી ભારત ગ્લોબલ પાવરમાં પ્રવેશી ગયું છે. બને ત્યાં સુધી ભારતીય લોકો અને ભારતીય ઉદ્યોગોને મદદ થાય એવું વિચારો અને એવું જ કામ કરો. તેમણે વિવિધ પ્રકારના ઉદાહરણો આપીને, ભ્રષ્ટાચાર ના થાય અને ઝીરો ટોલરન્સ નીતિ હોય તો કેવો વિકાસ થાય એ અંગેની વાત કરી હતી.

ગાંધીનગરના કલેક્ટર શ્રી મેહુલ દવે એ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને લઘુત્તમ પ્રયત્નથી સરકારની સેવા અને યોજનાકીય લાભો મહત્તમ મળી રહે એ જ સુશાસન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ડિજિટલ ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાતના નાગરિકોને સરકારી સેવાઓ વધુ પારદર્શી, સરળતાથી અને ઝડપથી મળી રહે તેવા હેતુસર ‘ડિજિટલ ગુજરાત’ પ્રોજેક્ટ કાર્યરત છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના નાગરિકોને ૮૦૦થી વધુ સરકારી સેવાઓ-યોજનાઓ વિવિધ પ્લેટફોર્મ્સ જેવા કે ઓનલાઇન, જન સેવા કેન્દ્રો અને ઈ-ગ્રામ કેન્દ્રો, સેવા સેતુના માધ્યમથી ઘર આંગણે તેમજ આંગળીના ટેરવે સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
શ્રી અટલ બિહારી વાજપેયીએ આપેલી સુશાસનની પ્રેરણાથી, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “Less Government, More Governance”ને મૂળ કાર્યમંત્ર બનાવી, ગુજરાતને દેશમાં વિકાસનું રોલ મોડલ બનાવ્યું છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત સરકારે સુશાસનને તેની કાર્યસંસ્કૃતિમાં ઉતાર્યું છે અને નાનામાં નાના માનવીને કોઇ તકલીફ ના પડે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ જેવી અનેક સુશાસનિક વ્યવસ્થાઓનું નિર્માણ કર્યું છે.”મેક્સિમમ ગવર્નન્સ, મિનિમમ ગવર્મેન્ટ”ના વિચારને જમીન સંપાદન અધિકારી શ્રી અર્જુનસિંહ વણઝારાએ સમજાવ્યો હતો. તેમણે આજે ગાંધીનગર બહાર દુનિયામાં ગિફ્ટ સિટીની શું વેલ્યુ છે એ અંગેની વાત કરી હતી. ગિફ્ટ સિટીમાં ઊભી કરાયેલી વિવિધ વ્યવસ્થાઓની જાણકારી અધિકારીઓને આપી હતી.
સુશાસન દિવસના અવસરે ડી.ડી.ઓ. શ્રી બી. જે. પટેલ, અધિક નિવાસી કલેક્ટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ અને જિલ્લાના તમામ સંકલન અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x