યુવાવર્ગને પોતાના વિકાસમાં રાષ્ટ્રને પ્રથમ સ્થાને રાખીને કાર્ય કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીય મંત્રી માંડવીયા
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર તથા કડી સર્વ વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત ‘વિકસિત ભારત@2047’ કાર્યક્રમનો પ્રારંભ શ્રમ અને રોજગાર કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનું આયોજન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર તથા કડી સર્વ વિશ્વ વિદ્યાલય દ્વારા “વિકસિત ભારત@2047” કડી કેમ્પસ સેકટર-23માં આવેલ કડી કેમ્પસના આવેલ નાથીબા હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા, સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન તથા કડી સર્વ વિશ્વ વિધાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઇ પટેલ, યુનિવર્સિટીના ઈન્ચાર્જ ડાયરેકટર ગાર્ગી રાજપરા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ અવસરે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા, 2047ના અમૃતમહોત્સવને ધ્યાનમાં લઈને વડાપ્રધાનશ્રી દ્વારા વિકસિત ભારત@2047ના સંકલ્પોની પ્રસ્તુતિ રજુ કરી હતી. ઉપરાંત માય ભારત પ્લેટફોર્મ પરથી 3000 જેટલા વિદ્યાર્થીઓ વિકસિત ભારત પર પોતાના વિચારોને વડાપ્રધાન સાથે પ્રસ્તુતિ કરશે તેનો પન ઉલ્લેખ કર્યો હતો. વધુમાં તેઓએ આજના યુવાવર્ગને પોતાના વિકાસમાં રાષ્ટ્રને પ્રથમ સ્થાને રાખીને કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પ્રવચનના અનુસંધાને મંત્રીશ્રી સાથે પ્રશ્નોતરી કરી હતી.
આ પ્રસંગે પ્રસંગોચિત ઉદબોધન કરતા કડી સર્વ વિશ્વવિદ્યાલયના ચેરમેનશ્રી વલ્લભભાઈ એમ. પટેલે જણાવ્યું હતુ કે, વિકસિત ભારતના પાયામાં શૈક્ષણિક સંસ્થાઓ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યારે સર્વ વિદ્યાલય યુવા પેઢીમાં શિક્ષણ કાર્ય સાથે સંસ્કાર સિંચન કરીને વિકસિત ભારતમાં સહભાગી થઈ પોતાની ભૂમિકા અદા કરે છે.
કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને યુનિવર્સિટીના ચેરમેનશ્રી વલ્લભભાઈ એમ. પટેલ દ્વારા સંસ્થાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જ્યારે કાર્યક્રમની આભાર વિધી કડી સર્વ વિદ્યાલય ગાંધીનગરના કેમ્પસ ડાયરેકટ ડૉ. કેયુર શાહ દ્વારા કરવામાં આવી હતી.