અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન માટે એવોર્ડ કાર્યક્રમ યોજાયો
સંવિધાનનો અમૃત મહોત્સવ- બંધારણના 75 માં વર્ષની ઉજવણી અંતર્ગત ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સામાજિક ક્ષેત્રે અપાતા ડો.બાબા સાહેબ આંબેડકર એવોર્ડ, મહાત્મા ગાંધી એવોર્ડ, સંત શ્રી કબીર સાહિત્ય એવોર્ડ, સાવિત્રીબાઈ ફૂલે મહિલા કલા સાહિત્ય એવોર્ડ, મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ અને દાસી જીવણ શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ એવોર્ડ અર્પણ વિધિ સમારોહ સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર,સેક્ટર-12 ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે તા.૧૬ જાન્યુઆરીના રોજ યોજાયો હતો.
કાર્યક્રમ અંતર્ગત પ્રાસંગિક ઉદબોધન કરતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, સંવિધાનના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે.
ડો.બાબા સાહેબ આંબેડકરના નામ અને એમના પરિવાર સાથે જોડાયેલા એવોર્ડ સાથે આજે સૌ સમારોહમાં ઉપસ્થિત થયા છે ત્યારે, એવોર્ડની પસંદગી વિશે જણાવતા તેમણે ઉમેર્યુ હતું કે, ઘણા બધા બાયોડેટા માંથી પસંદગી માટેની એક સમિતિ પણ હોય છે. જ્યારે આ પસંદગી થતી હોય છે, ત્યારે એ વ્યક્તિના કાર્ય ઉપર કે સમાજ જીવન ઉપર એ વ્યક્તિએ પોતાનું શું યોગદાન આપ્યું છે! અને એજ યોગદાનના ભાગરૂપે એવોર્ડ આપવાની પસંદગી થતી હોય છે. આ પસંદગી માટે દરેક પ્રકારની ચકાસણી કરી સંપૂર્ણ ચોકસાઈપૂર્વક નિર્ણય થાય એના માટેની પણ ખાસ તકેદારી રાખવામાં આવે છે. એટલુજ નહીં સંપૂર્ણ પાર્દશક નિર્ણય થાય તે માટે પોલીસ વેરીફીકેશન દ્વારા પણ બાંહેધરી લેવામાં આવે છે. જ્યારે આ પસંદગી કરવા બેઠા ત્યારે ઘણા બાયોડેટા જોઈ આપણને બધાને ગર્વ થાય કે,
સમાજમાં આટલું સરસ કામ કરતા લોકોનું એક ભાથુ કહી શકાય એટલા બધા લોકો આપણી પાસે છે. ખૂબ સીમિત સંખ્યામાં આપણે એવોર્ડ આપી શકીએ છે, બધા જ પોતપોતાના ક્ષેત્રમાં પોતપોતાની જગ્યાએથી સમાજ જીવન માટે ખૂબ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા હોય છે,પરંતુ આખી કમિટી બેસીને સાથે મળી એક નામ નક્કી કરવાનું હોય અને એક નામની મર્યાદામાં આપણે એવોર્ડ આપવાનો હોય, મર્યાદાના ભાગરૂપે એક એવોર્ડ માટે એક વ્યક્તિની પસંદગી કરતા હોઈએ છે.