ગાંધીનગરગુજરાત

માનવજીવનમાં સ્વતંત્રતાથી મોટું કોઈ સુખ નથી અને પરતંત્રતાથી મોટું કોઈ દુઃખ નથી : રાજ્યપાલ

99 કરોડથી વધુ મતદાતાઓ ધરાવતા ભારતમાં આજે 15 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે. ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ચૂંટણી તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, ભારત જેવા મહાન લોકતાંત્રિક રાષ્ટ્રમાં નાનામાં નાના નાગરિકના મતનું-અભિપ્રાયનું મૂલ્ય છે. લોકતંત્રથી આપણો દેશ દિવસો દિવસ વધુને વધુ સમૃદ્ધ બની રહ્યો છે. માનવજીવનમાં સ્વતંત્રતાથી મોટું કોઈ સુખ નથી અને પરતંત્રતાથી મોટું કોઈ દુઃખ નથી.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, 99 કરોડથી અધિક મતદાતાઓવાળા આપણા દેશમાં જ્યાં છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં સરેરાશ 65 ટકા જેટલું મતદાન થયું હોય તો પણ આપણા દેશમાં અડધા દિવસમાં ચૂંટણી પરિણામો મળી જાય છે. જ્યારે વિકસિત દેશોમાં પણ ચૂંટણી પરિણામો આવતાં દિવસો નીકળી જાય છે. ગુજરાતમાં વર્ષમાં ચાર વખત મતદારયાદી સુધારણા કાર્યક્રમો થાય છે અને યુવા મતદારોને મતદાર યાદીમાં સમાવિષ્ટ કરાય છે. એટલું જ નહીં, આપણા દેશમાં ચૂંટણીઓ યોજાય ત્યારે દુનિયાના અનેક દેશોના પ્રતિનિધિઓ આપણી ચૂંટણી પ્રક્રિયાનો અભ્યાસ કરવા આવે છે. આશ્ચર્યચકિત કરી મુકનારી આ વ્યવસ્થા માટે તેમણે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરથી લઈને ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા નાનામાં નાના કર્મચારીને અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ કહ્યું હતું કે, ભારત એક એવું લોકતાંત્રિક, સમૃદ્ધ રાષ્ટ્ર છે, જેમાં વિવિધ બોલીઓ, ભાષાઓ, વિસ્તારો, દુર્ગમ સ્થળો અને વિશાળ જનસંખ્યા છે. આપણી ચૂંટણી પ્રક્રિયાએ આખા વિશ્વમાં લોકોને અહેસાસ કરાવ્યો છે, લોકતંત્રથી આપણે દિવસો દિવસ વધુને વધુ સમૃદ્ધ બની સમૃદ્ધ રહ્યા છીએ. આજે આપણે કેટલું સુખદ જીવન જીવી રહ્યા છીએ. દરેક વ્યક્તિને બોલવાની સ્વતંત્રતા છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. આ લોકતંત્રમાં છેવાડાનો માનવી પણ દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે. કોઈ પણ વ્યક્તિ પોતાની યોગ્યતાનું પ્રદર્શન કરી શકે છે. આજે આપણે ભારતીય લોકતંત્રની સ્થાપના કરનાર મહાપુરુષોને નમન કરીએ અને અભિનંદન આપીએ કે, લોકોના કલ્યાણ માટે તેમણે આટલી સુંદર વ્યવસ્થા ઉભી કરી છે.

15મા રાષ્ટ્રીય મતદાન દિવસ નિમિત્તે તમામ કર્મયોગીઓને અભિનંદન આપતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, તેમના કર્મયોગ અને લોકતંત્રને મજબૂત કરવા માટે તેમની મહેનત અને નિષ્પક્ષતા ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવામાં ખૂબ મોટું યોગદાન આપે છે. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ, મહેમાનો, મહાનુભાવો તથા યુવા મતદારોને રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તના શપથ લેવડાવ્યા હતા.

પ્રાસંગિક વક્તવ્ય આપતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, આજે આપણી લોકશાહીની વૈભવી પરંપરાને સુદ્રઢ કરવાનો મહત્વપૂર્ણ દિવસ છે. વિશ્વમાં સૌથી વધુ યુવા મતદાર ધરાવતા આપણા દેશમાં દરેક મત લોકતંત્રના માર્ગને પ્રશસ્ત કરે છે. આજના દિવસે આપણે સંવિધાનના આદર્શો અને આપણા રાષ્ટ્રને પરિભાષિત કરતા લોકતાંત્રિક સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x