અંબાજીમાં 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ
ભારત સહિત સમગ્ર વિશ્વમાં અત્યારે સનાતન ધર્મ વિશે લોકોમાં જિજ્ઞાસા સતત વધી રહી છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે 144 વર્ષમાં એક વાર યોજાતો મહાકુંભ ચાલી રહ્યો છે. ગુજરાતમાં પણ એક મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થિત અંબાજી શક્તિપીઠ ખાતે યોજાશે, જે 51 શક્તિપીઠોમાંનું એક છે. ભારતભરમાં યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ ગુજરાતના શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ખાતે ત્રણ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો 9 ફેબ્રુઆરીથી શુભારંભ થશે. 11 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ત્રણ દિવસીય મહોત્સવમાં લાખો માઈભક્તો ઉમટશે. હાલ, 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.