રીદ્રોલમાં પ્રાથમિક આરોગ્યકેંદ્ર બનાવાશે
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના રીદ્રોલ ગામના 50 વર્ષ જૂના રામજી મંદિરના ત્રિ દિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં, આજે બીજા દિવસે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને માણસના ધારાસભ્ય જે.એસ.પટેલે યજ્ઞ શાળાની મુલાકાત લઇ, ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની પૂજા- અર્ચના -દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લગભગ છ કરોડના ખર્ચે આ મંદિરનું પુનઃ નિર્માણ કરી, પાયામાંથી નવું બનાવવામાં આવ્યું છે.
આ નાગર શૈલીના નવનિર્મિત મંદિરની મુલાકાત લઈને, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે નાની દીકરીઓ પાસેથી મંદિરમાંના નિર્માણમાં, રામાયણના અગત્યનાં બનાવોનું વર્ણન- કોતરણી કરાઇ છે,તેની જાણકારી બાલિકાઓને પ્રોત્સાહિત કરી હતી અને તેમની સાથે આત્મીયતાથી સંવાદ કર્યો હતો. આ રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સભામંડપમાં સંતો- મહંતો દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇનું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી અને શાલ ઓઢાડીને અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે ઋષિકેશભાઈએ જણાવ્યું હતું કે રામનો જન્મ થયો હતો ત્યાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી, અયોધ્યામાં રામલલ્લાને વિરાજમાન કરવામાં મહત્વનું આ કાર્ય સદીમાં થયું છે.
આજે દિલમાં પડેલી આસ્થા અને ભક્તિને આકાર આપી, અયોધ્યા જેવી પ્રાણ પ્રતિષ્ઠા રીદ્રોલમાં થઈ રહી છે. રામાયણ જીવનની આચારસંહિતા શીખવે છે. મનુષ્યએ કેવી રીતે જીવવું તે રામ શીખવે છે. તેમણે ઘરનાં બાળકોને સંસ્કૃતિની સાથે, જ્ઞાન અને સંસ્કાર આપી, ભારતના આવતીકાલના નાગરિકો તૈયાર કરવાનું આ પ્રસંગે તેમ રીદ્રોલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની પણ જાહેરાત કરી હતી. રીદ્રોલના રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો- મહંતો, યજમાનો, દેશ -વિદેશથી આવેલા મહેમાનો અને ગ્રામ્યજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.