અમદાવાદમાં મુખ્યમંત્રીના હસ્તે રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, શ્રીઅન્ન અને પ્રાકૃતિક ખેતીના વ્યાપથી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ‘બેક ટુ બેઝિક’ના મંત્ર દ્વારા સ્વસ્થ જીવનનો રાહ દેશ અને દુનિયાને બતાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના અમદાવાદ જિલ્લાના ૩ અને જામનગર જિલ્લાના ૧ ગોડાઉન કોમ્પલેક્ષનું ઈ – લોકાર્પણ પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લોકોને હંમેશા સ્વાસ્થ્ય માટે જાગૃત થવા પ્રેરણા આપે છે. તેમના વિઝનરી નેતૃત્વમાં જનતાની સુખાકારીને હંમેશા પ્રાધાન્ય અપાયું છે અને તેમના જનકલ્યાણલક્ષી અભિગમને સાર્થક કરતો આ કાર્યક્રમ છે.
રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં દ્વિ દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ કાર્યક્રમના સમયસર અને સુચારું આયોજન બદલ રાજ્યના કૃષિ વિભાગને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ‘વિરાસત ભી, વિકાસ ભી’ના મંત્ર સાથે દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કર્યું છે.વડાપ્રધાનએ ‘ઇન્ટરનેશનલ ઈયર ઑફ મિલેટ’ દ્વારા આ સ્વાસ્થ્યપ્રદ ધાન્યના ફાયદાઓ સમગ્ર દૂનિયા સમક્ષ સફળતાપૂર્વક ઉજાગર કર્યા છે તેનું તેમણે ગૌરવ કર્યું હતું. શ્રી અન્નની લોકપ્રિયતા વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, થોડા દાયકા પહેલાં ભારતમાં ઓછી આવક ધરાવતા અને ગરીબ પરિવારોના ખોરાકમાં વપરાતું બરછટ અનાજ હવે અમીર લોકોની થાળીની શાન બન્યું છે અને હવે તો લગ્નપ્રસંગોએ પણ ખાસ મિલેટ કાઉન્ટર જોવા મળે છે.
આજે મિલેટ આધારિત પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ આઇટમ્સ સ્ટોર્સ અને માર્કેટ સુધી પહોંચી છે તથા મિલેટ્સની સંપૂર્ણ સપ્લાય ચેઈન વિકસી છે. દેશમાં આ ક્ષેત્રે ૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ પણ કાર્યરત થયા છે તેની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રીએ આપી હતી. એટલું જ નહિ મોટી સંખ્યામાં એફ.પી.ઓ. પણ આ ક્ષેત્રે આગળ આવ્યા છે તથા સ્વ-સહાય જૂથની મહિલાઓ પણ હવે મિલટ્સના ઉત્પાદનો બનાવીને આત્મનિર્ભર બની છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ તથા મહત્વ સમજાવીને ઉપસ્થિત સૌને રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા પણ અનુરોધ કર્યો હતો. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, મિલેટ્સની ખેતી ખેડૂત, જમીન અને ખોરાક લેનાર વ્યક્તિ એમ તમામ માટે ફાયદાકારક છે. બાળકથી લઈને વૃદ્ધ, દરેક વયની વ્યક્તિ માટે મિલેટ અતિ આરોગ્યપ્રદ છે. તેમણે કહ્યું કે, ૨૦૨૩ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાના વડાપ્રધાનશ્રીના પ્રસ્તાવનું સમર્થન વિશ્વના ૭૨ દેશોએ કર્યું હતું. તેમની દીર્ઘદ્રષ્ટિને પરિણામે સુપરફૂડ મિલેટના ફાયદા વિશ્વના અનેક દેશો સુધી પહોંચ્યા છે.