જિલ્લા કલેકટરે તા.પં. ચૂંટણી સંદર્ભે આર્ટસ કોલેજ ખાતે ઇવીએમ કમિશનિંગની કામગીરીની પ્રત્યક્ષ મુલાકાત લીધી
આગામી સમયમાં યોજાનાર ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2025 અંતર્ગત સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ દવે દ્વારા ગાંધીનગરના સેક્ટર 15 ની આર્ટસ કોલેજ ખાતે ઇવીએમ કમિશનિંગની કામગીરીની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કમિશનિંગની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને કલેકટર શ્રી ગાંધીનગર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સ્ટ્રોંગ રૂમ, રીસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટર અને કાઉન્ટિંગ હોલની પણ તેમણે રૂબરૂ મુલાકાત લીધી હતી.જેમાં ચૂંટણી અધિકારી અને મામલતદારશ્રી ગાંધીનગર અને ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી ગાંધીનગર હાજર રહ્યા હતા.
આ પ્રસંગે કલેકટરશ્રી સહિત તમામ અધિકારીઓએ તાલુકા પંચાયત ગાંધીનગરની સામાન્ય ચૂંટણી સાથે જોડાયેલા અન્ય વ્યવસ્થાઓ જેવી કે સ્ટ્રોંગ રૂમની સુરક્ષા ,મતદાન મથકે આપવાની થતી સામગ્રી માટે થતી પૂર્વ તૈયારીનું નિરીક્ષણ કરી ચૂંટણી સંદર્ભે જોડાયેલ સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.