સોમનાથ મહોત્સવ માટે વિશેષ બસ સેવા: યાત્રાળુઓ માટે સુગમ પ્રવાસની વ્યવસ્થા
આગામી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે, 24 થી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન પવિત્ર સોમનાથ ધામ ખાતે ભવ્ય સોમનાથ મહોત્સવ યોજાવાનો છે. આ ત્રિ-દિવસીય મહોત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ માટે કલા અને સંસ્કૃતિ દ્વારા ભક્તિની અનોખી અનુભૂતિ સર્જવામાં આવશે. યાત્રાળુઓની સુવિધા અને સરળ પ્રવાસ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC), જૂનાગઢ વિભાગ દ્વારા વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી છે.
આ અંતર્ગત, વેરાવળ બસ સ્ટેશનથી સીધા સોમનાથ મહોત્સવ સ્થળ (સમુદ્ર દર્શન પથ પાસેનું મેદાન) સુધી અને પરત આવવા માટે એક્સ્ટ્રા બસ સેવા ઉપલબ્ધ રહેશે. આ ખાસ બસ સેવા મહોત્સવના ત્રણેય દિવસ દરમિયાન યાત્રાળુઓ માટે સલામત અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે આયોજનબદ્ધ રીતે કાર્ય કરશે. મહાશિવરાત્રીના પવિત્ર તહેવારમાં સોમનાથ મહોત્સવનો આનંદ માણવા ઈચ્છુક શ્રદ્ધાળુઓ માટે આ વ્યવસ્થા ખૂબ જ લાભદાયી બની રહેશે.