TET-TAT ઉમેદવારો ફરી આંદોલનના માર્ગે: ગાંધીનગરમાં પોલીસ સાથે ઘર્ષણ
ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ પડતર પ્રશ્નોને લઈ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આજે (24 ફેબ્રુઆરી) ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા ઉમેદવારોએ સરકાર સામે મોરચો માંડ્યો હતો. ભરતી પ્રક્રિયામાં વિલંબ અને જગ્યાઓ વધારવાની માંગ સાથે રાજ્યભરમાંથી ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ બહાર એકઠા થયેલા ઉમેદવારોને પોલીસે આંદોલન સ્થળે પહોંચતા પહેલા જ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે 250થી વધુ ઉમેદવારોની અટકાયત કરી છે. ઉમેદવારોએ એપ્રિલ 2023થી ચાલી રહેલી ભરતી પ્રક્રિયાને ઝડપી પૂર્ણ કરવા અને જગ્યાઓ વધારવાની માંગ કરી છે. ધીમી ગતિએ ચાલી રહેલી ભરતી પ્રક્રિયાથી ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે.