ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગાંધીનગર મનપાના સંયુક્ત ઉપક્રમે અંડર-14 લંગડી સ્પર્ધાનું આયોજન
ભારતીય પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવા અને બાળકોમાં શારીરિક તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ લાવવા માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ‘અંડર-14 લંગડી સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તા. 25 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 8 કલાકે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કેમ્પસ ખાતે યોજાશે. કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ગાંધીનગર મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી મીરાબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ગૌરાંગભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહેશે.આ લંગડી સ્પર્ધામાં ગાંધીનગર મહાનગરપાલિકાની શાળાઓની કુલ 31 ટીમો ભાગ લેશે,
જેમાં 20 ભાઈઓની અને 11 બહેનોની ટીમો હશે. કુલ 465 બાળકો આ સ્પર્ધામાં ભાગ લેશે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. સંજય ગુપ્તાએ જણાવ્યું કે, “આજના સમયમાં બાળકો મોબાઈલ અને સોશિયલ મીડિયાની અસર હેઠળ મેદાનથી દૂર થઈ રહ્યા છે. તેમને મેદાન સાથે પુનઃ જોડવા અને ભારતીય પરંપરાગત રમતોને પુનર્જીવિત કરવા માટે યુનિવર્સિટી દ્વારા આ અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.” લંગડી સ્પર્ધા અંગે વધુ વિગતો આપતાં સંયોજકશ્રી ડૉ. મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,
“વિજેતા થનાર ટીમોને કુલ રૂ. 51,000ની ઈનામી રકમ, મેડલ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે.” સ્પર્ધાના આયોજન માટે વેસ્ટર્ન સીડ કંપની દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ અંતર્ગત તમામ ભાગ લેનાર બાળકો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.બાળકોને રમતોમાં ભાગ લેવા પ્રેરણા મળી રહે અને પરંપરાગત રમતો પ્રત્યેનો રસ વધે તેવા ઉદ્દેશ સાથે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.