ગાંધીનગર કલેક્ટરે સેક્ટર-૨૧ ખાતે પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ પ્રાકૃતિક કૃષિની પહેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના પ્રાકૃતિક કૃષિના જન હિતમાં થયેલા મક્કમ નિર્ધારને પૂર્ણ કરવાની દિશામાં કલેકટરશ્રી ગાંધીનગરના પ્રેરણા પ્રવાસો થકી ગાંધીનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ નો વ્યાપ વધ્યો છે. જેથી જિલ્લામાં દરેક ગામમાં મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. પ્રાકૃતિક કૃષિ અપનાવ્યા પછી આ પાકને લોકોના ઘર સુધી કઈ રીતે પહોંચાડવો અથવા પ્રાકૃતિક કૃષિ દ્વારા પકવેલા શાકભાજી ફળો અનાજ વગેરે નો લાભ લોકો સરળતાથી એવી કઈ જગ્યાએથી મેળવી શકે, જે વિશ્વાસપાત્ર હોય,કે જ્યાં માત્ર પ્રાકૃતિક કૃષિ દ્વારા પકવેલી જ ચીજ વસ્તુઓ મળતી હોય! આવા પ્રશ્નોના હલ સ્વરૂપે ગાંધીનગર જિલ્લા બાગાયતની કચેરી, આત્મા પ્રોજેક્ટ-ગાંધીનગર તેમજ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર ના સંયુક્ત પ્રયાસથી, ગાંધીનગર જિલ્લામાં પ્રાકૃતિક બજાર, શાક માર્કેટ, સેક્ટર-૨૧ ખાતે દરરોજ સવારના ૯ થી બપોરના ૧૨ વાગ્યા સુધી તથા સાંજના ૪ થી ૭ વાગ્યા સુધી, તેમજ ગુરુકુળ સ્કુલની સામે, ઘ -૫ સર્કલ પાસે, સેક્ટર-૨૩ ખાતે દર શનિવારે સવારના ૮ થી ૧૧ વાગ્યા સુધી પ્રાકૃતિક ખેત ઉત્પાદનનોનું વેચાણ કેન્દ્ર ઉભું કરવામાં આવેલ છે. જ્યાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા વિવિધ શાકભાજી તથા ફળોનું સીધા ગ્રાહકોને વેચાણ કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ કે. દવેના માર્ગદર્શન અને જિલ્લા વહીવટી તંત્રના અથાગ પ્રયત્નો થકી ગાંધીનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ નો વ્યાપ વધતો જ જઈ રહ્યો છે. કલેક્ટર શ્રી પોતે અનેક પ્રાકૃતિક ફાર્મની રૂબરૂ મુલાકાત લઈ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કરતા આવ્યા છે. ત્યારે આ દિશામાં એક નવી પહેલ રૂપે,૨૮ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર જિલ્લાના કલેક્ટરશ્રીએ સેક્ટર-૨૧ ખાતે ના પ્રકૃતિક ખેત પેદાશના વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ વેચાણ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીથી ઉગાડવામાં આવેલ શાકભાજી, ફળો તથા વિવિધ ખેત પેદાશો જેવાકે મગ, મઠ, ચણા, સોયાબીન, મગફળી, તલ, કૃષ્ણ કમોદ ચોખા, ગોળ, ઘી, સિંગતેલ, મધ વેગેરેના ઉપલબ્ધ જથ્થાની પ્રશંસા કરી, તેઓએ જણાવ્યું હતુ કે ,પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું મહત્વ વર્તમાન સમયમાં વધતું જાય છે, અને આવા પ્રયાસો દ્વારા લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે તે માટે ખેડૂતોથી ગ્રાહક સુધી સીધા વેચવા માટેના કેન્દ્રો ખુબ જ સકારાત્મક ભાગ ભજવશે. સાથે જ કલેકટરશ્રી એ વેચાણ કેન્દ્ર ખાતેથી પ્રાકૃતિક ખેતીથી પકવેલ ફળ શાકભાજી તેમજ અન્ય ઉત્પાદનોની જાતે ખરીદી કરી અને ગાંધીનગરના રહેવાસીઓને પણ આવા વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ પોતાના પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેત પેદાશનો જ ઉપયોગ કરવા પણ અપીલ કરી હતી.
સ્પષ્ટપણે લોકહિતની વિચારધારા ધરાવતા કલેક્ટરશ્રી માત્ર પેપર વર્ક નહીં પણ પ્રેક્ટીકલ વર્કને પ્રાધાન્ય આપે છે. એટલે જ જ્યારે જિલ્લામાં કોઈ પણ નવીન પ્રકલ્પોની શરૂઆત થાય, ત્યારે તેની આકસ્મિક મુલાકાતો દ્વારા તેઓ તેની ચકાસણી કરતા રહે છે. જેના ભાગરૂપે તેમણે આજે પ્રાકૃતિક કૃષિ બજારની મુલાકાત લઈ લોકોને પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો દ્વારા પકવેલ શાકભાજી ફળો અને અન્ય ચીજો પોતે ખરીદી કરી નગરજનોને આ અંગે પ્રેરિત કર્યા હતા.