અમદાવાદમાં દબાણ હટાવવાની કામગીરી: ગુલબાઈ ટેકરા રોડ ખુલ્લો કરાયો
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નવરંગપુરાના ગુલબાઈ ટેકરા તરફ જવાનો રોડ ખુલ્લો કરવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. ગોમતીપુર બાદ હવે નવરંગપુરામાં પણ AMCના એસ્ટેટ વિભાગે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ગુલબાઈ ટેકરા ચાર રસ્તાથી પાંજરાપોળ તરફ જવાના રોડ પરના દબાણ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
AMCના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. નવરંગપુરા વિસ્તારમાં ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળ તરફ જવાના રોડ પર નાના-મોટા કાચા ઝૂંપડા, મકાન અને જૂનો માલસામાન મૂકીને દબાણ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમોએ બેથી વધુ JCB અને 10 જેટલા નાના-મોટા વાહનો સાથે આ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી છે. 100 મીટરના અંદાજે 24 મીટર પહોળા રોડ પર અડધો રોડ દબાણને કારણે બંધ થઈ ગયો હતો. તાડપત્રીથી બાંધેલા ઝૂંપડા અને અન્ય દબાણોને કારણે વાહનોને પસાર થવામાં મુશ્કેલી થતી હતી. AMC દ્વારા આ દબાણો દૂર કર્યા બાદ ફરી દબાણ ન થાય તે માટે આયોજન કરવામાં આવશે.