અમરનાથ યાત્રા 2025ને લઈ સામે આવ્યું મહત્વનું અપડેટ, જાણો
શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ દ્વારા અમરનાથ યાત્રા 2025ની તારીખો જાહેર કરવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે પવિત્ર યાત્રા 3 જુલાઈથી 9 ઓગસ્ટ 2025 સુધી ચાલશે. આ વર્ષે, યાત્રાનો સમયગાળો 38 દિવસનો રહેશે, જે ભક્તોને બાબા બર્ફાનીના દર્શન કરવાનો અમૂલ્ય અવસર આપશે.
અમરનાથ યાત્રા માટે નોંધણી 15 માર્ચ, 2025થી શરૂ થશે. નોંધણી “પહેલા આવો, પહેલા મેળવો” ના આધારે કરવામાં આવશે, તેથી જે ભક્તો વહેલા નોંધણી કરાવશે તેમને પ્રાથમિકતા મળશે. ખાસ નોંધ લેવી કે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 75 વર્ષથી વધુ ઉંમરના વડીલો નોંધણી માટે પાત્ર ગણાશે નહીં.યાત્રા પર જવા માટે, દરેક શ્રદ્ધાળુએ ફરજિયાત આરોગ્ય પ્રમાણપત્ર સાથે રાખવું પડશે. આ ઉપરાંત, દરેક યાત્રાળુને એક જ મુસાફરી પરમિટ આપવામાં આવશે, જે અન્ય કોઈને ટ્રાન્સફર કરી શકાશે નહીં.
ભક્તોની સુવિધા માટે, નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાશે, જેથી દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ નોંધણી કરાવી શકે. આ વર્ષે અમરનાથ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતા છે. તેથી, યાત્રાળુઓની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમરનાથ યાત્રા ભગવાન શિવના મુખ્ય તીર્થસ્થળોમાંનું એક છે, જ્યાં કુદરતી રીતે બરફનું શિવલિંગ રચાય છે. આ પવિત્ર યાત્રા પર જવું એક કઠિન અનુભવ છે, તેથી શ્રદ્ધાળુઓએ શારીરિક અને માનસિક રીતે તૈયાર રહેવું જરૂરી છે.