સાળંગપુર હનુમાન મંદિરમાં ઉજવાશે ભવ્ય રંગોત્સવ
સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 14મી માર્ચે, પૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે. આ દિવસે દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે. ત્યાર બાદ 7 પ્રકારના 51 હજાર કિલો રંગ અર્પણ કરાશે. સવારે દાદાને રંગ ધરાવીને સંતો દ્વારા ભક્તો પર છંટકાવ કરાશે. આ ઓર્ગેનિક સપ્ત ધનુષના રંગો ખાસ ઉદયપુરની ફેક્ટરીમાંથી મંગાવ્યા છે. આ રંગોત્સવમાં 11 દેશના ભક્તો સહિત ગુજરાત અને અન્ય રાજ્યના ભક્તો આવશે. વિવેકસાગર સ્વામીએ જણાવ્યું કે, આ જીવનનો અલૌકિક લ્હાવો હશે ભક્તિના રંગે રંગાવાનો. દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદકિલ્લોલ કરશે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાનારા ગુજરાતના સૌથી મોટા રંગોત્સવમાં 11થી વધુ દેશ સહિત ગુજરાત અને અન્ય રાજ્યના લાખો ભક્તો આવશે. આ માટે મંદિરના સંતો અને ભક્તો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. હરિપ્રકાશદાસજી સ્વામીના સાંનિધ્યમાં અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સહિત સંતો અને દેશ દુનિયાથી પધારેલા હજારોની સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાશે.