ધૂળેટી: 108 ઈમરજન્સીને મળ્યા 3485 કૉલ, સૌથી વધુ માર્ગ અકસ્માતના
રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણીમાં અનેક જગ્યાએ અણબનાવો બન્યા છે. 108 ઈમરજન્સી સેવાને સામાન્ય દિવસોની સરખામણીમાં વધુ કૉલ મળ્યા છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 108 ઈમરજન્સી સર્વિસને મેડિકલ ઈમરજન્સીના 3485 કૉલ મળ્યા છે. જેમાં સૌથી વધુ 715 કૉલ માર્ગ અકસ્માતના હતા. આ સિવાય મારામારીના 360 અને પડી જવાથી ઈજાના 209 કૉલ મળ્યા છે.
માર્ગ અકસ્માતના સૌથી વધુ કૉલ અમદાવાદ અને સુરતમાંથી મળ્યા છે. અમદાવાદમાંથી 95 અને સુરતમાંથી 93 કૉલ મળ્યા છે. વડોદરામાં 51, રાજકોટમાં 34, દાહોદમાં 30, ખેડામાં 29, બનાસકાંઠામાં 24, ભરૂચ અને પંચમહાલમાં 23-23 અને આણંદ, વલસાડ અને નવસારીમાં 20-20 અકસ્માતના બનાવ નોંધાયા છે. સામાન્ય દિવસોમાં 108ને સરેરાશ 3735 કૉલ મળે છે, જ્યારે આજે ધૂળેટીના દિવસે 3485 કૉલ મળ્યા છે. જો કે, માર્ગ અકસ્માતના કેસમાં વધારો થયો છે. સામાન્ય દિવસોમાં માર્ગ અકસ્માતના સરેરાશ 458 કેસ નોંધાય છે, જ્યારે આજે 715 કેસ નોંધાયા છે. દાહોદના દેવગઢ બારીયાની પ્રમુખ હોસ્પિટલમાં એક નર્સે નાઈટ ડ્યૂટી વખતે શૌચાલયમાં જઈને ઓઢણી વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.