ગાંધીનગર: દિવાળી પહેલા સચિવાલયના લોકો માટે મેટ્રો શરૂ કરી દેવાય તેવી શક્યતા
ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ વધુ એક મહત્વનું સ્ટેશન પ્રાપ્ત કરવાની તૈયારીમાં છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી માર્ચ 2026 સુધીમાં મહાત્મા મંદિર સુધીના રૂટની તમામ કામગીરી પૂર્ણ થઈ શકે તેમ છે. એ પછી, દિવાળી પહેલાં જ સચિવાલય અને સેક્ટર 10-એ વચ્ચેના રૂટ પર મેટ્રો સેવા શરૂ થઈ જશે. અત્યારે, મેટ્રો સેક્ટર-1 સુધી દોડે છે અને સચિવાલય સુધી વિસ્તરણ માટે ટ્રેક તથા સ્ટેશનની કામગીરી ચાલી રહી છે. આગામી 4થી 5 મહિનામાં સ્ટેશન, ટ્રેક અને ઈલેક્ટ્રીફિકેશનની કામગીરી પૂર્ણ થતાં મેટ્રો સેવા શરૂ થઈ શકશે.
ફેઝ-2 અંતર્ગત મહાત્મા મંદિર સુધીની કામગીરી માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ફેઝ-1ના ભાગરૂપે સાબરમતી રેલવે સ્ટેશન ખાતેના મેટ્રો સ્ટેશનની કામગીરી સિવાયની તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ફેઝ-2માં મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીની કામગીરી પ્રગતિ પર છે. ગાંધીનગરમાં સેક્ટર-1 બાદ સચિવાલય સુધીના વિસ્તરણ માટે સેક્ટર 10-એ અને સચિવાલય સ્ટેશનની કામગીરી તેમજ વાયડક્ટનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણતાની અંતિમ તબક્કામાં છે. દિવાળી પહેલાં સચિવાલયના લોકો માટે મેટ્રો સેવા ઉપલબ્ધ થઈ શકે છે.
આ ઉપરાંત અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધીના રૂટ અને સ્ટેશનોની કામગીરી પણ ચાલી રહી છે, જેમાં 60થી 70 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટનો વિકાસ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે, જેના પરિણામે નગરવાસીઓને ટૂંક સમયમાં વધુ સારી અને સુવિધાજનક જાહેર પરિવહન સેવા મળશે.