કેડિલા ફાર્મામાં ગંભીર દુર્ઘટના: મહિલા કર્મચારીનું મોત, ત્રણ બેભાન
અમદાવાદ: ધોળકા નજીક આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં એક દુઃખદ ઘટના બની છે. કંપનીના વોશરૂમમાં એક મહિલા કર્મચારીનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ કર્મચારીઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, કંપનીના વોશરૂમમાં કામ કરતી વખતે ત્રણ મહિલા અને એક પુરુષ કર્મચારી બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં વર્ષાબેન રાજપુત નામના મહિલા કર્મચારીનું મોત થયું છે. અન્ય ત્રણની હાલત સ્થિર છે.
આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કંપની પર ગંભીર આરોપો લગાવ્યા છે અને તટસ્થ તપાસની માંગણી કરી છે. ઘટનાની જાણ થતાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને એફ.એસ.એલ. ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.