રાજ્ય કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધા 2024-25નું ગાંધીનગર ખાતે કરાયું આયોજન
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત કલા મહાકુંભ સ્પર્ધા નું આયોજન તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા પ્રદેશ કક્ષા અને રાજ્યકક્ષા સુધી કરવામાં આવે છે. આ સ્પર્ધા વકૃત્વ નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એક પાત્રીય અભિનય, સુગમ સંગીત, લગ્ન ગીત, લોકગીત, તબલા, હાર્મોનિયમ, લોકનૃત્ય,રાસ, ગરબા, સમૂહ ગીત, કાવ્ય લેખન, ગઝલ શાયરી,લોક વાર્તા, દુહા છંદ ચોપાઇ, સર્જનાત્મક કારીગીરી, સ્કુલ બેંડ, ઓરગન, કથ્થક, શાશ્ત્રિય કંઠ્ય સંગીત (હિંદુસ્તાની) સિતાર, ગીટાર, વાંસળી, વાયોલીન, કુચિપુડી,ઓડીસી, મોહિની અટ્ટમ, પખાવજ, મૃદંગમ, રાવણ હથ્થો, જોડીયા પાવા. સરોદ, સારંગી ભવાઇ જેવી ૩૭ કૃતિઓ આયોજન વિવિધ ચાર વય જૂથ ૬ થી ૧૪ વર્ષ,૧૫ થી ૨૦વર્ષ, ૨૧ થી ૫૯ અને ૬૦ થી ઉપર ના વયજુથ માટે કરવામાં આવે છે.
કલા મહાકુંભની રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન તા.૧૭ થી ૨૦ માર્ચ, ૨૦૨૫ દરમિયાન ટાઉનહોલ, ગાંધીનગર તેમજ ૧૯ અને ૨૦ માર્ચ ના દરમિયાન ગોપાલક વિદ્યા સંકુલ ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે. આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ઉત્તર ગુજરાત ઝોન, મધ્ય ગુજરાત ઝોન, સૌરાષ્ટ્ર ઝોન તથા દક્ષિણ ગુજરાતના અંદાજિત ૪૦૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લીધો હતો.જે અંતર્ગત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન પર્યાવરણ મંત્રીશ્રી મુળુ ભાઈ બેરાએ તા.૧૭ ના રોજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કલાકારોનો જુસ્સો વધાર્યો હતો.
રાજ્ય કક્ષાના કલામહાકુંભ પ્રસંગે ઉપસ્થિત સર્વેને સંબોધન કરતાં મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, વર્ષે ૨૦૧૭ થી લઈ અને આજ સુધી દરેક તાલુકા, જિલ્લા અને ઝોન કક્ષાએથી જે અલગ અલગ ગ્રુપો કલા મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે તે સૌને રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ વિભાગ દ્વારા આપ સૌને હું આવકારું છું, કોઈપણ રાજ્ય હોય રાષ્ટ્ર હોય કે સમાજ હોય એમાં સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિ વગર એની પ્રગતિ થઈ શકતી નથી. સંગીત, કલા સંસ્કૃતિ વગર મનુષ્ય માત્રનું પૃથ્વી ઉપર જીવવું શક્ય બને નહીં. જે રીતે હ, પાણી, પ્રકાશ અને ભોજનની જરૂર છે, એટલી જ જરૂર સાહિત્ય, કળા અને સંસ્કૃતિની પણ છે. અને એટલે જ આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી વારંવાર કહે છે કે, “વિકાસ ભી વિરાશત ભી” રાજ્યમાં જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, ત્યારે પણ રાજ્યને દરેક ક્ષેત્રમાં પોતાની દીર્ઘદ્રષ્ટિથી સુવિકસિત બનાવવા કાર્ય કરતા રહ્યા છે. તેમના થકી ખેલ મહાકુંભ શરૂ કરાયો જેના કારણે અંતર્યાળ ગામો હોય એમાંથી પણ વિદ્યાર્થીઓ ને પ્લેટફોર્મ મળ્યુ અને એ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ, રાજ્ય કક્ષા સુધી ,આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી રમતવીરો તૈયાર કરવામાં ખેલ મહાકુંભ મૂળ એનો પાયામાં છે. એના કારણે આપણા દીકરા દીકરીઓ આજે ખેલકુદમાં ખૂબ આગળ વધી રહ્યા છે, એવી જ રીતે કલા ક્ષેત્રે પણ કલા મહાકુંભના આયોજન થકી ૦૬ વર્ષથી લઈ ૬૦ વર્ષથી વધારે ઉંમર હોય એવા અનેક ગ્રુપો અથવા કલાકારો આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરી રાષ્ટ્રને પુન: વિશ્વગુરુ બનાવવા માટે, જેમ રમતમાં ખેલ મહાકુંભમાં અલગ અલગ કક્ષા સુધી આપણા વિદ્યાર્થીઓ ,રમતવી આગળ જઈ શક્યા છે, એવી જ રીતે કલામાં પણ આપણે આ પ્રકારની હરીફાઈઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા કલા વારસાને સાંસ્કૃતિક વાતાવરણનું સર્જન કરીએ છે.
વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે,દર વર્ષે સૌપ્રથમ તાલુકા કક્ષાએ 14 કૃતિઓ, જિલ્લા કક્ષા 23 કૃતિઓ અને પ્રદેશ કક્ષાએ 30 કૃતિઓ એવી જ રીતે રાજ્ય કક્ષાએ 37 કૃતિઓ દ્વારા રાજ્યના સમૃદ્ધ કલા વારસાની નયનરમ્ય સ્પર્ધાઓ યોજવામાં આવે છે. રાજ્યના ચાર પ્રદેશો છે,જેમાં સૌરાષ્ટ્ર ,ઉત્તર ગુજરાત ,મધ્ય ગુજરાત, દક્ષિણ પ્રદેશ એમ દરેક પ્રદેશ કક્ષાએ એકથી ત્રણ નંબરના વિજેતા કલાકાર અથવા ગ્રુપ રાજ્યકક્ષામાં પસંદગી પામે છે.અને રાજ્યકક્ષાએથી પણ આ બધા માંથી એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર કૃતિને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. આ સ્પર્ધા માટે જે કલાકારો આવે છે તેમના ભોજન અને નિવાસ તેમજ આવવા જવાનો પ્રવાસ ખર્ચમાં પણ રાજ્ય સરકાર મદદ કરે છે. સાથેજ કલા ક્ષેત્રોમાં જે કામ કરી રહ્યા છે એવા બાલ કલાકાર થી લઈને વૃદ્ધ કલાકાર તથા આપણા રાજ્યના જે યુવાઓ છે એમાં જે અલગ અલગ ક્ષમતા છે,જેમ કે સાગરકાંઠાનું પરિભ્રમણ હોય, વન પરિભ્રમણ હોય ,અખિલ ભારતીય હોય, આપણી સરહદ ઓળખો, મહાજન સ્મારક હોડી સ્પર્ધા, અરબી સમુદ્રની અખિલ ભારતીય તરણ સ્પર્ધા, સાગર ખેડુ, સાયકલ રેલી જેવા આયોજન કરી અને રાજ્યના યુવાઓના સાહસવૃત્તિ ને એક મંચ આપવાનું કાર્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.ઉપરાંત ખુબ સરસ રીતે દ્વારકા ઉત્સવ, સોમનાથ ઉત્સવ હમણાં જ પૂરો થયો, માતૃ વંદના ઉત્સવ, ડાકોર ઉત્સવ, મોઢેરા ઉત્સવ જેવા અનેક ઉત્સવ દ્વારા આપણે મેળા અને ઉત્સવોની ઉજવણી કરીએ છીએ,જે આપણી સંસ્કૃતિ છે. રાજ્યમાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ અંતર્ગત એક ખૂબ મોટો ઇવેન્ટ થાય છે ,અને એમાં જ્યારે નવરાત્રિના સમયે જ્યાં શક્તિપીઠ છે, માતાજીના મંદિર છે ત્યાં પણ એક એક દિવસની નવરાત્રીનં પણ આયોજન કરવામાં આવે છે.
આપણા જિલ્લા અને પ્રદેશનું, આપણા રાજ્યનું, આપણા દેશનું ગૌરવ વધારતા આવા ઉત્સવો અને સ્પર્ધાઓ માટે સૌને હું શુભેચ્છા પાઠવતા આપણી મહામુલી કલા સંસ્કૃતિનું જતન કરવા, સંવર્ધન કરવા,રક્ષણ કરવા માટે સૌ સાથે મળીને કામ કરીએ એવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડો.બી એન પ્રજાપતિ, વ્યાયામ મંડળના પ્રમુખશ્રી આર, આર ચૌધરી, અભિલેખાગાર અધિક્ષક શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ગુજરાત ગૌરવ પુરસ્કૃત મયંકભાઇ દવે તથા મહેન્દ્રભાઈ અણદાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારી તેજલબા ચૌહાણ સહિત વિવિધ કલા પ્રેમીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.