બદલાતી ઋતુમાં સાવધાન: ગાંધીનગર કલેક્ટરની નાગરિકોને કાળજી લેવાની અપીલ
ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ કે.દવે દ્વારા જિલ્લાના તમામ નગરજનોને બદલાતી ઋતુ અને ગરમીના વાતાવરણમાં સંવેદના સહ પોતાની તથા પોતાના પરિજનોની કાળજી રાખવા સૂચન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ વોર્મિંગની અસરના પરિણામે બેવડી ઋતુ અને બદલાયેલા વાતાવરણમાં જો ખાવા પીવામાં ધ્યાન ન રાખવામાં આવે તો રોગના શિકાર થઈ શકાય છે. સમગ્ર ગુજરાતમાં શરૂ થયેલી બેવડી ઋતુઓ શારીરિક રીતે નુકસાનકારક બની શકે છે. ઋતુ ચક્ર પ્રમાણે હાલનું વાતાવરણ ક્યારેક શિયાળા જેવું એકદમ ઠંડુ તો ક્યારેક ઉનાળાની અસહ્ય ગરમી વાળું છે. ગ્લોબલ વોર્મિંગની અસરમાં ઋતુ ચક્ર અને વાતાવરણ અલગ અલગ થયા છે. તેથી જો ધ્યાન રાખવામાં ના આવે તો રોગો સામાન્ય જોવા મળે છે. ચાલો જાણીએ શુ કાળજી જરૂરી.
આ ઋતુમાં કેવા કેવા રોગ જન્મે છે, તેની વાત કરવામાં આવે તો, શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં દિવસે ગરમીનો પારો અતિશય વધી રહ્યો છે, ઉનાળો જાણે બરાબર બેસી ગયો છે, ને રાત્રે તથા વહેલી સવારે ઠંડી અનુભવાઈ રહી છે, ત્યારે આવી બેવડી ઋતુમાં જીલ્લાના નાગરિકો પોતાના કાર્ય દરમિયાન અને રાત્રે પણ ભોજન લેવામાં કાળજી રાખતા નથી. આથી શરદી, ઉધરસ, વાયુ અને કફ જેવી સામાન્ય તકલીફો ઉપરાંત ડી હાઈડ્રેશન, ફૂડ પોઈઝનીંગ,હીટ સ્ટ્રોક,ઉબકા ઉલટી તથા ચામડીના રોગો થવાના કેસો વધુ જોવા મળતા હોય છે. ઉનળામાં સનબર્ન, ચામડીના રોગો, સ્ટ્રોક, આંખોમાં દુખાવો પણ આ ઋતુનો એક ભાગ છે. તાપમાનનો પારો વધવાથી ગરમીને લગતી બીમારીઓનું જોખમ પણ વધી રહ્યું છે.
આ ઉનાળામાં ઠંડક મેળવવા અને ગરમીથી બચવા જિલ્લાના નગરજનોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
આ અસહ્ય ગરમીને કારણે ઘણી ઉનાળું બીમારીઓ જેમ કે – લૂ લાગવી, તડકાને લીધે માથું દુખવું, નસકોરી ફૂટવી (નાકમાંથી લોહી નીકળવું), શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવું, મચ્છરોથી થતા રોગો વગેરે થાય છે. ખરેખર તેનો કોઈ ઉકેલ નથી પરંતુ આપણે ગરમી અને તેના પરિણામોથી પોતાને મહદ્અંશે અપ્રભાવિત રાખવા માટે માત્ર નિવારક પગલાં જ લઈ શકીએ છીએ. પોતાને સ્વસ્થ અને કાર્યરત રાખવાની કેટલીક રીતો અહીં આપેલ છે:
કપડાં
આછા રંગના ખુલતા કપડાં પહેરો, ઘેરા રંગના સિન્થેટિક કપડાં ટાળો. બહાર જતી વખતે સનગ્લાસ પહેરો અને હંમેશા સનસ્ક્રીન ટ્યૂબ સાથે રાખો.
હળવો ખોરાક લો
તમારા આહારમાં ભરપૂર ફળ અને શાકભાજીનો સમાવેશ કરો, પાણીનું પ્રમાણ વધુ હોય તેવો ખોરાક જેમ કે કાકડી અને તડબૂચ ખાઓ. લીલા પાંદડાવાળા શાકભાજી, પીળા અને નારંગી રંગના ફળો અને શાકભાજી, આખું ધાન્ય, કઠોળ, દાણા અને બીજ જેમ કે બદામ, કોળું અને મેથી પુષ્કળ પ્રમાણમાં ખાવાથી તમારું શરીર ઠંડું રહે છે અને ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહે છે. મસાલેદાર ખોરાકથી દૂર રહો.
સતત પાણી પીતા રહો
ભરપૂર પાણી પીઓ, તરસ લાગે તે પહેલાં જ પાણી પીઓ. દિવસભર પુષ્કળ પ્રવાહી પીવાથી તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલિત રહે છે. છાશ અને લીલું નારિયેળ પણ તંદુરસ્ત વિકલ્પો છે. વધુ પડતી ખાંડ અને કેલરી ધરાવતા કોલા અને પૅકેજમાં મળતા જ્યૂસને ટાળો.
કસરત કરો
ઉનાળા દરમિયાન કસરત કરવી આસાન હોતી નથી, પરંતુ તેને લીધે સ્ટેમિના જળવાઈ રહે છે. સખત તડકામાં કસરત કરશો નહીં, વહેલી સવારે, મોડી સાંજે અથવા મકાનની અંદર કસરત કરો.
ઘરમાં રહો
જરૂરી ન હોય ત્યાં સુધી, સવારે 10:30 થી સાંજે 5:30 વાગ્યાની વચ્ચે બહાર નીકળવાનું ટાળો. ઘરમાં અથવા તમારી ઑફિસમાં રહો, વારંવાર બહાર નીકળવું અને એસીમાંથી એસી વગરના વાતાવરણમાં જવું એ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ઉનાળામાં લાંબા દિવસો, સુંદર ફૂલો અને સાંજે પવનની લહેરખીઓ સાથે સાથે તેની પોતાની ખામીઓ છે, જેને આપણે ટાળી શકતા નથી, તેથી આપણે આપણા સ્વાસ્થ્ય વિશે વધુ સાવચેત રહેવાની અને ગરમીમાં આપણા કાર્યો અટકી ના જાય એનું ધ્યાન રાખવાની જરૂર છે.
ઉનાળા માં કેવો ખોરાક ખાવો જોઇએ ?
ઉનાળામાં ગરમી અને ભેજ વધુ હોવાથી, શરીરમાં પાણીની ઉણપ થવાનું જોખમ વધી જાય છે. આથી, ઉનાળામાં ખોરાક લેતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ:
પાણીયુક્ત ખોરાક: ફળો અને શાકભાજી: ખીરા, કાકડી, ટામેટાં, કોબીજ, લીલા શાકભાજી, ફાલસા, તરબૂજ, ખરબૂજા, દ્રાક્ષ, છાશ, દહીં, શરબત, સૂપ, વગેરે.
*હળવો ખોરાક:*ભારે અને તૈલીય ખોરાક ઓછો ખાવો.બાફેલા, શેકેલા અથવા ગ્રીલ કરેલા ખોરાકને પ્રાધાન્ય આપવું.ફાઈબર યુક્ત ખોરાક ખાવો જેમ કે ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, વગેરે.
*પાણી:*દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું. ઠંડા પાણીના બદલે સામાન્ય તાપમાનનું પાણી પીવું.
ORS ઘોળ પણ પાણીની ઉણપ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
*અન્ય સાવચેતીના પગલાં :*ગરમીમાં બહાર નીકળતી વખતે ટોપી, છત્રી અને સનસ્ક્રીનનો ઉપયોગ કરવો.શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું.
*ઉનાળામાં શું ખાવાનું ટાળવું:*ગરમ અને મસાલેદાર ખોરાક,તળેલા ખોરાક,માંસ અને માંસાહારી ખોરાક,કાફેઈન અને આલ્કોહોલયુક્ત પીણાં, ઉનાળામાં યોગ્ય ખોરાક લેવાથી શરીરમાં પાણીની ઉણપ થવાનું જોખમ ઘટાડી શકાય છે અને ગરમીથી થતી બીમારીઓથી બચી શકાય છે.