સુરત પોલીસ પર તોડબાજીનો આરોપ, ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે મુખ્યમંત્રી અને પોલીસ કમિશનરને પત્ર લખીને જણાવ્યું છે કે સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ એક રેડ દરમિયાન તોડબાજી કરી હતી. 11 જાન્યુઆરી, 2025ના રોજ પોલીસે એક કંપની પર રેડ પાડી હતી, જ્યાં ડુપ્લિકેટ હાર્પિક લિક્વિડ મળ્યું હતું. પોલીસે કંપનીના માલિકો પાસેથી 8 લાખ રૂપિયા લીધા અને ગોડાઉનમાં રહેલો પૂરો માલ જપ્ત ન કર્યો. ગોડાઉનમાં 20 લાખથી વધુનો માલ હતો,
પરંતુ પોલીસે ફક્ત 3,31,200 રૂપિયાનો માલ જ બતાવ્યો. બાકીનો માલ પોલીસની મદદથી 5 ટ્રકોમાં અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યો. રેડ દરમિયાન કંપનીના માલિકો અને કર્મચારીઓના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. લીધેલા 8 લાખ રૂપિયા હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. કંપનીના ત્રણ માલિકો હોવા છતાં, FIRમાં ફક્ત એક જ માલિકનું નામ દર્શાવવામાં આવ્યું.
આ રેડ ઇન્ચાર્જ પી.આઈ. કે.એ. ચાવડાની સૂચનાથી કરવામાં આવી હતી. કંપનીના માલિકોએ ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોલીસે ફરિયાદ લીધી ન હતી. ધારાસભ્યએ માંગણી કરી છે કે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને દોષિત પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. કુમાર કાનાણીએ આક્ષેપ કર્યો છે કે પોલીસ જ જો ભ્રષ્ટાચાર કરે તો પ્રજા કોના પર વિશ્વાસ કરે.