ગુજરાત

રાજ્યના વિધાર્થીઓને શાળામાં ગુણવત્તાયુકત શિક્ષણ અપાય છે: શિક્ષણ મંત્રી

શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્યના વિધાર્થીઓને શાળામાં ગુણવત્તા યુકત શિક્ષણ આપવામાં આવે છે. જેના માટે વર્ષ ૨૦૨૨માં ૫,૬૫૨ શિક્ષણ સહાયકોની ભરતી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૨,૮૦૮ શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૯૧ સરકારી માધ્યમિક શિક્ષણ, ૧૨૩ ગ્રાન્ટેડ માધ્યમિક શાળા તથા ૧૨૩ ખાનગી માધ્યમિક શાળાઓ હાલ કાર્યરત છે.  રાજકોટમાં ૪૩ સરકારી માધ્યમિક શિક્ષણ, ૧૬૨ ગ્રાન્ટેડ માધ્યમિક શાળા, ૪૩૨ ખાનગી માધ્યમિક શાળાઓ કાર્યરત છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

પેટા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, નવી સરકારી માધ્યમિક શાળા આપવા માટે રાજ્ય સરકાર દ્વારા શાળાદીઠ રૂ.૩.૧૫ કરોડ ખર્ચ કરવામાં આવે છે. જેમાંથી વર્ગખંડ, વૈકલ્પિક વિષય માટે વર્ગ ખંડ,આચાર્ય ખંડ, સ્ટાફ રૂમ, કાર્યાલય, પ્રયોગશાળા, કમ્પ્યુટર પ્રયોગશાળા, લાઈબ્રેરી, વિદ્યાર્થીની રૂમ, સ્ટાફ માટે, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અલગ શૌચાલયની સુવિધા અને વોટર રૂમ આમ કુલ ૧૦ ઓરડાઓ અને કુમાર-કન્યાઓ તથા વિકલાંગો માટે અલાયદા શૌચાલય તથા વોટર રૂમ જેવી ભૌતિક સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

સરકારી માધ્યમિક અને RMSA માધ્યમિક શાળા શરૂ કરવાની નીતિ અંતર્ગત કેન્‍દ્ર સરકારના ૬૦ ટકા અને રાજ્ય સરકારનાં ૪૦ ટકા ખર્ચથી નવી શાળાઓ મંજુર કરાય છે. આ ઉપરાંત RMSA યોજનાની શાળાઓ શરૂ થઈ શકે તેમ ન હોય તેવા વિસ્તારોમાં રાજ્ય સરકારના ખર્ચથી નવી સરકારી માધ્યમિક શાળાઓ મંજુર કરે છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x