દુષ્કર્મના આરોપી ભાજપના પ્રાંતિજના ધારાસભ્યની ધરપકડમાં પોલીસની નિષ્ક્રિયતા આવી સામે
ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનારી ઘટના સામે આવી છે, જેમાં દુષ્કર્મના આરોપી ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરવામાં પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઉભા થયા છે. પીડિત મહિલાએ જાતે જ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન તેને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે. મહિલાને જાણકારી મળી હતી કે ગજેન્દ્રસિંહ ગાંધીનગર નજીકના એક ફાર્મ હાઉસમાં છુપાયેલા છે. મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમને અનેકવાર ફોન કર્યો, પરંતુ બે કલાક સુધી કોઈ મદદ ન મળતા તેણે જાતે જ ફાર્મ હાઉસમાં જઈને આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો.
આ દરમિયાન, ગજેન્દ્રસિંહ અને તેના ડ્રાઈવર સંજય ઝાલાએ મહિલા પર હુમલો કર્યો અને તેને માર માર્યો હતો. ગજેન્દ્રસિંહે મહિલાનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો અને તેના ડ્રાઈવરે લાકડી વડે મહિલાના માથા પર પ્રહાર કર્યો હતો. મહિલાને બચાવવા આવેલા અન્ય વ્યક્તિને પણ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ, ગજેન્દ્રસિંહ તેની ક્રેટા કારમાં ફરાર થઈ ગયો હતો. મહિલાએ કારમાં તેનો પીછો કર્યો હતો. હાઈવે પર બમ્પ આવતા ક્રેટા કાર ધીમી પડી અને મહિલાની કાર તેની સાથે અથડાઈ હતી. ગજેન્દ્રસિંહ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાએ સારવાર લીધા બાદ દહેગામ પોલીસ સ્ટેશનમાં ગજેન્દ્રસિંહ પરમાર, સંજય ઝાલા, જી.એસ. ગોસ્વામી અને ફાર્મ હાઉસના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.