દુષ્કર્મ કેસમાં વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વલસાડ: ઉમરગામમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મના કેસમાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ગુલામ મુસ્તુફા મોહંમદ સમીમ ખલીફાને તેના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે આરોપીને રૂ. 50 હજારનો દંડ પણ કર્યો છે. આ કેસ ઉમરગામના ગાંધીવાડીમાં બન્યો હતો, જ્યાં આરોપીએ પાડોશમાં રહેતી ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.
વાપી કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે પીડિતા અને અન્ય સાક્ષીઓના નિવેદનો અને પુરાવા રજૂ કર્યા હતા. સ્પેશિયલ જજ ટી.વી. આહુજાએ આરોપીને દોષિત ઠેરવીને આ સજા સંભળાવી છે. કોર્ટે દંડની રકમ અને વળતર પેટે કુલ રૂ. 6.50 લાખ પીડિતાના પરિવારને ચૂકવવાનો આદેશ પણ કર્યો છે. આ ચુકાદાને પીડિતાના પરિવારે અને સ્થાનિક લોકોએ આવકાર્યો છે.