વિવાદ બાદ હવે સરકારે કલાકારોને વિધાનસભા નિહાળવા આપ્યું આમંત્રણ
તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં યોજાયેલા એક સન્માન સમારોહમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળતા વિવાદ સર્જાયો હતો. જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોરે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, સરકારે આ બાબતની નોંધ લેતા હવે વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના અન્ય કલાકારોને વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રણ પાઠવ્યું છે.
આગામી 26 અને 27 માર્ચના રોજ વિક્રમ ઠાકોર, સાગર પટેલ, મલ્હાર ઠાકર સહિત 200થી વધુ કલાકારો અને સંગીતકારો વિધાનસભાની કામગીરીને રૂબરૂ નિહાળશે. અગાઉ વિધાનસભામાં અન્ય કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળતા વિક્રમ ઠાકોરે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે સરકારને ભવિષ્યમાં આવા કાર્યક્રમોમાં તમામ સમાજના કલાકારોને સ્થાન આપવા વિનંતી કરી હતી. સરકારના આ નવા આમંત્રણથી આ વિવાદનો અંત આવે તેવી શક્યતા છે.