અમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત: એકનું મોત, એક ઘાયલ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે એક XUV કાર અને AMTS બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કમનસીબે મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. મળતી માહિતી મુજબ, આજે સવારે ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પર મુસાફરો બસમાં ચઢી રહ્યા હતા. તે સમયે એક XUV કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી અને અચાનક જ બસની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બસમાં ચઢી રહેલા મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી.
અકસ્માતમાં કાર ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે કારમાં તેમની બાજુમાં બેઠેલી વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, બસમાં ચઢતા કેટલાક મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોમાં એક નાની બાળકીનો પણ સમાવેશ થાય છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અકસ્માતની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગનું ફર્સ્ટ રિસ્પોન્સ રેસ્ક્યુ વ્હીકલ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ અકસ્માતના કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.