અમદાવાદથી ગુમ થયેલા પિતા-પુત્રોના મૃતદેહ કેનાલમાંથી મળ્યા
અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા મૂળ ઊંઝાના નીતિનભાઈ રબારી (ઉં.વ. 25) તેમના બે પુત્રો (1 અને 5 વર્ષ) સાથે બે દિવસ પહેલા ગુમ થયા હતા. તેમની રિક્ષા અડાલજ નજીક નર્મદા કેનાલ પાસેથી મળી આવી હતી. ત્યારબાદ, આજે કલોલ તાલુકાના જાસપુર નજીક કેનાલના ગણપતપુરા વિસ્તારમાંથી નીતિનભાઈ અને તેમના બંને પુત્રોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી પરિવાર અને પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.