ગુજરાતની શાળાઓમાં આજથી વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ, 70 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડ હેઠળની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજથી એટલે કે 7 એપ્રિલથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આ પરીક્ષાઓમાં ધોરણ 3 થી 8 ના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 9 અને 11 ના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ભાગ લેશે. અંદાજે 70 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે વાર્ષિક પરીક્ષા આપશે.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી) દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, ધોરણ 3 થી 5 ની પરીક્ષા સવારે 8 થી 10 સુધી બે કલાક ચાલશે અને તે 40 ગુણની રહેશે. જ્યારે ધોરણ 6 થી 8 ની પરીક્ષા સવારે 8 થી 11 સુધી ત્રણ કલાક ચાલશે અને તે 80 ગુણની રહેશે. આ પરીક્ષામાં નવેમ્બરથી માર્ચ મહિના સુધીના અભ્યાસક્રમને આવરી લેવામાં આવશે.
સરકારી શાળાઓ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ) દ્વારા નિયત માળખા મુજબ પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવશે. ખાનગી શાળાઓએ ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણના પ્રશ્નપત્રો રાજ્ય કક્ષાએથી અપાયેલા માળખા અનુસાર શાળા કક્ષાએ તૈયાર કરવાના રહેશે. આ પરીક્ષાઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષનું મૂલ્યાંકન કરશે.