કલોલમાં સોની સાથે છેતરપિંડી, ત્રાહિત વ્યક્તિના ખાતામાંથી પેમેન્ટ કરાવી છેતરપિંડી
ગાંધીનગર જિલ્લાના કલોલમાં એક સોનીની દુકાનમાં 3,15,000 રૂપિયાનું સોનું ખરીદ્યા બાદ છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. રાજદીપ જ્વેલર્સના મનોજભાઈ સોનીની દુકાને એક વ્યક્તિએ બીપીન પટેલના નામે ફોન કરીને સોનું ખરીદવાની વાત કરી અને ક્યુઆર કોડથી પેમેન્ટ કરવાનું જણાવ્યું હતું. તે મુજબ એક ઇસમેં આવીને પેમેન્ટ કર્યું અને મનોજભાઈએ તેને 33 ગ્રામ સોનું આપ્યું હતું.
ત્યારબાદ મનોજભાઈને અન્ય નંબરથી ફોન આવ્યો અને ફોન કરનારે પોતાને બીપીન પટેલ ગણાવીને કહ્યું કે તેણે ધવલ પટેલ નામના વ્યક્તિના કહેવાથી ગાડી ખરીદવાના બહાને તેમના ખાતામાં પેમેન્ટ કર્યું હતું અને ધવલે તેને ગાડી આપી નથી. આ અંગે બીપીન પટેલે નિકોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે મનોજભાઈનું બેંક ખાતું ફ્રીજ કરી દેવામાં આવ્યું હતું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં મનોજભાઈ કલોલ પોલીસ મથકે દોડી ગયા હતા અને અજાણ્યા બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે