ગુજરાતમાં એકમ કસોટીઓ બંધ થશે? નવી મૂલ્યાંકન પદ્ધતિની તૈયારી
ગુજરાતનું શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓના મૂલ્યાંકન કરવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં એક પેટા-સમિતિ સાથેની બેઠકમાં હાલમાં લેવાતી એકમ કસોટીઓને બંધ કરવા અંગે ચર્ચા થઈ હતી. હવે નવી મૂલ્યાંકન પદ્ધતિ કઈ હોવી જોઈએ તે અંગે વિચારણા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ને અનુરૂપ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે મે મહિનાના અંત સુધીમાં રજૂ કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે આગામી શૈક્ષણિક સત્રથી નવી મૂલ્યાંકન પદ્ધતિ લાગુ થઈ શકે છે. હાલમાં ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે દર શનિવારે એકમ કસોટીઓ લેવામાં આવે છે. જો કે, આ કસોટીઓની અસરકારકતા અને વિદ્યાર્થીઓ પર તેના દબાણને લઈને વધતા વિરોધને કારણે સરકારે આ સિસ્ટમ પર પુનર્વિચાર કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્યના શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ, GCERT દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં NEP-2020 મુજબ વિદ્યાર્થીઓનું 360-ડિગ્રી મૂલ્યાંકન કરવા માટે 12 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને પ્રતિનિધિઓ પાસેથી માહિતી એકત્ર કરી રહી છે. તાજેતરમાં ભાવનગરમાં મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં પેટા-સમિતિએ નવી મૂલ્યાંકન પ્રણાલીના માળખા અંગે ચર્ચા કરી હતી. જેમાં હાલની એકમ કસોટી પદ્ધતિને રદ કરીને વધુ સર્વગ્રાહી પદ્ધતિ દાખલ કરવાની ભલામણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં અંતિમ ભલામણો મળ્યા બાદ સરકાર મૂલ્યાંકન પ્રક્રિયામાં ફેરફાર અંગે નિર્ણય લેશે.