પાટણના મહેસૂલી કર્મચારીઓ માંગોને લઈ માસ સીએલ પર
પાટણ: ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળના આદેશ અનુસાર, પાટણ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓએ આજે માસ સીએલ (સામૂહિક રજા) પર ઉતરીને હડતાળ પાડી હતી. જિલ્લાના અંદાજે 240 કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા. હડતાળના પગલે આજે જિલ્લામાં ઈ-ધરા, પુરવઠા સહિતની વિવિધ મહેસૂલી કામગીરી પર અસર જોવા મળી હતી. અરજદારોને પોતાના કામો માટે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે મહેસૂલી કર્મચારીઓ છેલ્લા એક મહિનાથી પોતાની વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે, જે અંતર્ગત આજે માસ સીએલનું એલાન આપવામાં આવ્યું હતું. કર્મચારીઓ સરકાર સમક્ષ તેમની માંગણીઓ સત્વરે સ્વીકારે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.