અમદાવાદ: ચંડોળા તળાવના ઘૂસણખોરોનું આતંકી જોડાણ ખુલ્યું
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશી ઘૂસણખોરોનું આતંકી કનેક્શન સામે આવતા ખળભળાટ મચી ગયો છે. તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો પર ડિમોલિશનની કાર્યવાહી વચ્ચે, આ ઘૂસણખોરો અલ-કાયદા જેવા ખતરનાક આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ માહિતી સામે આવતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 4 બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત કરી છે.
ક્રાઈમ બ્રાંચના જેસીપી શરદ સિંઘલના જણાવ્યા અનુસાર, 2022માં પકડાયેલા અલકાયદાના આતંકવાદીઓની તપાસ દરમિયાન આ કનેક્શન સામે આવ્યું છે. બાતમી મળ્યા બાદ ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા જાણવા મળ્યું કે બાંગ્લાદેશના જમાતે ઉલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ જેલમાંથી છૂટીને ચંડોળા તળાવ વિસ્તારમાં પોતાનું નેટવર્ક ઊભું કરવાના પ્રયાસમાં હતા, જેમાં આ ઘૂસણખોરો તેમને મદદ કરી રહ્યા હતા. આ ઘટસ્ફોટથી સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે અને સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.