ગાંધીનગર અને અમદાવાદમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદ
ગાંધીનગર અને અમદાવાદમાં પડી રહેલી ધોમધખતી ગરમી વચ્ચે આજે કમોસમી વરસાદે લોકોને રાહત અપાવી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગાંધીનગરના માધવગઢ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે કરા સાથે સારો એવો વરસાદ પડ્યો હતો. મોટી માત્રામાં પડેલા વરસાદી કરાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો હતો. જો કે, ગાંધીનગરના માધવગઢમાં પડેલા કરા સાથેના વરસાદથી ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ગરમીથી રાહત મળી હોવા છતાં, કેટલાક પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.