ગુજરાતમાં ભરઉનાળે કમોસમી વરસાદનું જોર, ખેડૂતો ચિંતિત
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું છે અને અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારોમાં રવિવારે વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો છે. કેટલાક સ્થળોએ કરા પણ પડ્યા છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ડાંગર, એરંડા, ઘઉં અને કપાસ જેવા પાકોને ભારે નુકસાન થયું છે, જેના લીધે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. કેરીના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન વિભાગે આગામી 8મી મે સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે. આ દરમિયાન 60-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખેડૂતોને તેમના પાકની સલામતી માટે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.