બ્રેકિંગ: કચ્છ-બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં બ્લેકઆઉટ જાહેર
ભુજ/પાલનપુર: ગુજરાતની પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ પર તણાવની સ્થિતિને પગલે કચ્છ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કચ્છ જિલ્લાના ભુજ, નલિયા, નખત્રાણા અને ખાવડા તેમજ બનાસકાંઠા જિલ્લાના 12 ગામોમાં સુરક્ષાના કારણોસર બ્લેકઆઉટ કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે પાકિસ્તાન દ્વારા કચ્છ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલાને નિષ્ફળ બનાવી દીધો હતો. સરહદી વિસ્તારમાં તણાવની પરિસ્થિતિને જોતા તકેદારીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે.
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને શાંતિ જાળવવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.